ક્રાઇમ બ્રાન્ચ તરસાલી વિસ્તારમાં આરોપીને દબોચી મકરપુરા પોલીસને સોંપ્યો
પ્રતિનિધિ વડોદરા તા.18
વડોદરામાં દાગીના ચમકવાના બહાને સોનું ઓગાળી વેચી નાખતા સાગરીતો પૈકી એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચે તરસાલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડ રકમ, મોબાઇલ અને મોપેડ મળી રૂ. 1.23 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે.
વડોદરા શહેરમાં દાગીના ચમકાવવાના બહાને ઘણી મહિલાઓ પાસેથી ગઠિયાઓ સોના દાગીના લઇને ફરાર થઇ જતા હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મકરપુરા વિસ્તારમાં ગઠિયાની શોધખોળ કરવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાનું કામ કરતો શંકાસ્પદ શખ્સ બાઇક લઇને ડેરી તરસાલી રોડ આઇટીઆઇ ગેટ પાસે ઉભો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઇને રાહુલ અરવિંદ શાહને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી મોબાઇલ, રોકડ રકમ, અને દાગીના ચમકાવવાની સામગ્રી મળી આવી હતી. જેથી કડકાઇથી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે જલ્દીથી રૂપિયા કમાવવા માટે બાઇક પર સાગરીતો સાથે વિવિધ સોસાયટીમાં ફરી મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને તેમને દાગીના ચમકાવી આપવાના બહાને મહિલાઓના સોનાના દાગીના પ્રવાહીમાં ડુબાડી કેટલુક સોનું ઓગાળુ લેતા હતા. બે મહિના પહેલા સાગરીતે તરસાલી તથા માણેજાની બે વૃદ્ધાની બંગડીઓ ચકાવવાના બહાને સોનુ ઓગાળી લીધુ હતું. ત્યારબાદ આ સોનું વેચીને તેના ભાગે રૂ. 80 હજાર આવ્યા હતા.જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાહુલ અરવિંદ શાહ પાસેથી મોબાઇલ, રોકડા રૂ. 80 હજાર અને બાઇક મળી રૂ. 1.23 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસને સોંપ્યો છે.