ગત મહિને થયેલા ઝઘડાની અદાવત રાખી કાચા કામના કેદીનું કારસ્તાન
ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો
પ્રતિનિધિ વડોદરા તા.7
વડોદરા સેન્ટ્રલ જેલમાં ગત ઓગષ્ટ મહિનામાં કાચા કામનો કેદી સિપાઇ સાથે ઝઘડો કરતો હતો. ત્યારે પાકા કામનો કેદી તેને સમજાવવા માટે ગયો હતો. દરમિયાન બંને કેદી વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ બાદમાં સામાધાન પણ થયું હતુ. દરમિયાન અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી કાચા કામના કેદી ભાજી લેવા આવેલા પાકા કામના કેદી પર પતરાથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં કેદીને સારવાર માટે એસએસજીમાં ખસેડાયો હતો. ત્યાં તેને ગરદનના ભાગે ચાર ટાંકા આવ્યાં હતા. જેથી કેદી રાવપુરા પોલીસ સ્ટેશનમાં હુમલાખોર કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગરમાં રહેતા યાસીન ઉર્ફે દુધી હારૂન ઘાંચી (ઉં.વ.34) હત્યાના ગુનામાં છ મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે. 12 ઓગષ્ટના રોજ જેલમાં હાઇ સિક્યુરિટી બંધી હતી ત્યારે ઇ- મુલાકાત માટે સર્કલ રૂમમાં આ પાકા કામનો કેદી ગયો હતો. ત્યાં હાજર કાચા કામનો કેદી વિશાલ યાર્ડ નંબર-9 બેરેક-4માં સિપાઇ અરૂણભાઇ સાથે બોલાચાલી કરતો હતો. જેથી યાસીન ઘાંચી તેને સમજાવવા માટે ગયો હતો. ત્યારે વિશાલ અને યાસીન વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ ત્યારબાદ બંને કેદી વચ્ચે સમાધાન થયું હતું. ગત 6 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વોર્ડ નંબર 9માં ભાજીનું ગાડુ આવતા કેદી ભાજી લેવા માટે ગયો હતો. દરમિયાન અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને વિશાલ પાછળથી આવીને યાસીન ઘાંચી પર પતરાના ટુકડાથી ગરદનના ભાગે હુમલો કર્યો હતો. ત્યારબાદ કેદી ફરી હુમલો કરવા જતા તેણે પતરુ પકડી લીધુ હતું અને પોતાના જીવ બચાવવા માટે ભાગી ગયો હતો. ત્યારબાદ જેલના સિપાઇઓએ તેને પકડી લીધો હતો પરંતુ કેદી લોહીલુહાણ હાલતમાં હોય તેને જેલમાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે એસએસજી હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પાકા કામના કેદીને ગરદનના ભાગે ચાર ટાંકા આવ્યાં હતા. જેથી પાકાના કેદીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાચા કામના કેદી વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.