પ્રતિનિધિ વડોદરા તા.27
વડોદરા સેન્ટ્રલ જેલમાં યાર્ડ 7ના બેરેક નંબર 03માં શૌચાલય પાસે ખાડો ખોદીને સંતાડી રાખેલો બિનવારસી મોબાઇલ મળી આવ્યો હતો. જેથી આ મોબાઇલ કયા કેદીનો હતો અને તેમાં જેલ કર્મીની સંડોવણી છે. હાલમાં મોબાઇલની ચકાસણી માટે એફએસએલમાં મોકલાયો છે. જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં સેન્ટ્રલ જેલમાંથી અવાર નવાર કેદીઓએ સંતાડી રાખેલા મોબાઇલ મળી આવતા હોય છે. હજુ પણ આ મોબાઇલ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. દરમિયાન 25 માર્ચના રોજસર્કલ વિભાગ યાર્ડ 7ના કર્મચારીઓ જેલર તથા ઝડતી સ્કોડના સ્ટાફ સાથે રાખીને મળેલી બાતમીના આધારે બેરેક નંબર 03માં ઝડતી કરવામાં આવી હતી. ત્યારે શૌચાલયના દરવાજાની બહાર ખાડો કરીને છુપાવી રાખેલો મોબાઇલ મળી આવ્યો હતો. જેની પોલીસે ચકાસણી કરતા મોબાઇલમાંથી બેટરી અને સિમકાર્ડ કાઢી નાખેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી કર્મચારીઓએ બેરેક નંબર 03માં મશીન દ્વારા વધુ ચકાસણી કરી હતી ત્યારે એક સિમકાર્ડ મળી આવ્યું હતું. જેથી મોબાઇલ કબજે કરીને એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. બીજી તરફ મોબાઇલ જેલમાં કેવી રીતે ઘુસાડવામાં આવ્યો હતો. ઉપરાંત આમાં કોઇ જેલમાં કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવા માટે જેલર અશોકસિંહ જાડેજા દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
