Vadodara

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ જંપ કરી પાકા કામનો કેદી ફરાર

પ્રતિનિધિ વડોદરા તા.31

આણંદ જિલ્લાના રૂપિયાપુરા ગામના આરોપીને કોર્ટે સજા ફટકારતા વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે રખાયો હતો. દરમિયાન ત્રણ દિવસની પેરોલ રજા મંજૂર થતા તેને જેલમાંથી મુક્ત કરાયો હતો પરંતુ પરત હાજર થવાના બદલે કેદી બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે ફરાર કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરની સૌથી મોટી સેન્ટ્રલ જેલમાં કાચા તથા પાકા કામના તમામ કેદીઓ સજા કાપતા હોય છે. ત્યારે ઘણા કેદીઓ પેરોલ, ફર્લો સહિતની વિવિધ રજા મેળવીને જેલમાંથી બહાર આવ્યા બાદ પરત જેલમાં હાજર થતા નથી. ત્યારે વધુ એક કેદી ફરારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે આણંદ જિલ્લાના રૂપિયાપુરા ગામે રહેતા મથુર ભીખા ઠાકોર છેલ્લા એકાદ વર્ષથી પાકા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન કેદીએ ત્રણ દિવસ માટે પેરોલ રજાની માગણી કરતા રજૂ મંજૂર થઇ હતી. જેથી કેદીને 16 ઓગસ્ટ 2024ના રોજ જેલમાંથી પેરોલ રજા પર મુક્ત કરાયો હતો અને રજા પૂર્ણ થયા બાદ પરત જેલમાં 20 ઓગસ્ટ 2024ના રોજ હાજર થવાનું હતું. પરંતુ કેદી હાજર થવાના બદલે બારોબાર ફરાર થઇ ગયો હતો. જેના કારણે સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા જે જે પરમારે આ પાકા કામના કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top