પોરબંદરના પોક્સોના આરોપીને 14 દિવસની ફર્લો રજા પર મુકત કરાયો હતો
વડોદરા મધ્યસ્થ જેલમાં પોકસોના ગુનામાં સજા કાપતા પાકા કામના કેદીને 14 દિવસની ફર્લો રજા મુક્ત કરાયો હતો. કેદીએ 16 માર્ચના રોજ ફરી જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર થયો ન હતો અને બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી રાવપુરા પોલીસ સ્ટેશનમાં જેલરે કેદી સામે ફરીયાદ નોંધાવી છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં છેલ્લા દોઢેક વર્ષથી પોક્સોના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. દરમિયાન તા.27 ફેબ્રુઆરી 2024ના ફર્લો રજા મંજૂર થઇ હતી. આ કેદીની 14 માટેની ફર્લો રજા મંજુર થતા તેને એક માર્ચના રોજ ફર્લો રજા પર મુકત કરવામાં આવ્યો હતો. જે કેદીએ રજા પૂર્ણ થયા બાદ પુન: 16 માર્ચના રોજ પરત જેલમાં હાજર થવાનુ હતું પરંતુ કેદી જેલમાં હાજર થયા વગર જ બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલર એસ એચ વસાવાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરાર ફર્લો રજા પર ગયેલા કેદી સામે ફરીયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં રહેતા પ્રફુલગીરી રમેશગીરી ગોસ્વામીને સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં કમલાબાગ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી હતી. જેથી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને તા.23 ઓગષ્ટ 2022ના રોજ આજીવન કેદની સજા તથા 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.