કેદીને 6થી 21 જુલાઇ સુધી પેરોલ રજા પર મુક્ત કરાયો હતો, મર્ડર અને રાયોટિંગના ગુનામાં કેદી સજા કાપતો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા.8
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ રજા પર છુટેલા કેદી ફતેગંજ બ્રિજ પર ડીવાઇડર સાથે ભટકાયા બાદ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતુ. કેદી સેન્ટ્રલ જેલમાં મર્ડર તથા રાયોટિંગના ગુનામાં સજા કાપતો હતો અને 6થી21 જુલાઇ સુધી પેરોલ રજા પર બહાર આવ્યો હતો. ફતેગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના સયાજીપુરા ટાંકી રોડ પર આવેલા શિવ શક્તિ ફ્લેટમાં રહેતા સતીષ ઉર્ફે બોગલ ભીખા પઢિયાર હત્યાના અને રાયોટિંગના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. દરમિયાન તેની પેરોલ ફર્લો રજા મંજુર થતા કેદીને 6થી21 જુલાઇ સુધી જેલમાંથી મુકત કરાયો હતો અને 22 જુલાઇનો રોજ પરત જેલમાં હાજર થવાનું હતું. દરમિયાન 7 જુલાઇના રોજ રાત્રીના સમયે સતીષ પઢિયાર પોતાના બાઇક લઇને નીકળ્યો હતો અને ફતેગંજ બ્રિજ પરથી ઇએમઇ સર્કલ તરફ જઇ રહ્યો હતો. દરમિયાન રાત્રીના અઢીથી પોણા ત્રણ વાગ્યાના અરસામાં સતીષ પઢિયારનો સ્ટીયરિંગ પરનો કાબૂ જતા બાઇક ડિવાઇડરમાં ભટકાઇ હતી. જેમાં તેનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર મોત નિપજ્યું હતું. દરમિયાન રાહદારીઓએ રાત્રીના સમયે એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ફતેગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.