વડોદરા તારીખ 3
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમની ડ્રેનેજમાંથી પાંચ મહિનાનું શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ આ શિશુને સારવાર માટે એસએસજીમાં લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. જેથી પોલીસે શિશુના મૃતદેહનું પીએમ કરાવવા સાથે તેને તરછોડી જનારની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપોમાં હજારોની સંખ્યામાં લોકો અવર-જવર કરતા હોય છે. દરમિયાન બે માર્ચના રોજ ડેપોમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતી મહિલા ડેપોના બાથરૂમમાં સાફ-સફાઈ કરવા માટે ગયા હતા. તે દરમિયાન તૂટેલી ગટરલાઈનમાં એક શિશુ કોઈ તરછોડીને જતું રહ્યું હોય તેના પર સફાઈ કર્મચારીની નજર પડી હતી. દરમિયાન આ શિશુ બાબતે પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ડેપો પર દોડી આવ્યા હતા. શિશુને ગટરલાઈનમાંથી બહાર કાઢીને પોલીસ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબોએ આ શિશુ પાંચથી છ મહિનાનું હોવા સાથે મૃત્યુ પામ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ પાંચથી છ મહિનાના બાળકના મૃતદેહનું પીએમ કરાવવા સાથે તેને સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમમાં કોણ તરછોડી ગયું હતું તેની ડેપોમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકને તરછોડીને ભાગી જનાર માતા વિરુદ્ધ પણ ભારે રોષની લાગણી લોકોમાં ફેલાઈ હતી.
