મેવાડા કલેક્શન મેવાડા ડ્રેસવાલા અને મેવાડા જ્વેલર્સમાં તપાસ :
શોરૂમમાં વેપારીઓ પાસેથી દસ્તાવેજની ચકાસણી અને વધુ તપાસ ચલાવવામાં આવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સાગમટે 49 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે વડોદરા શહેરમાં ત્રણ શો રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મેવાડા કલેક્શન મેવાડા ડ્રેસવાલા અને મેવાડા જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં શોરૂમમાં વેપારીઓ પાસેથી દસ્તાવેજની ચકાસણી અને વધુ તપાસ ચલાવવામાં આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વેપારીઓ દ્વારા કરવામાં આવતા વેચાણો તથા આપવામાં આવતી સર્વિસીસ અન્વયે બિલ આપવામાં આવતા નથી તેમજ વેરો ભરવાનો ન થાય અથવા ઓછો ભરવા પાત્ર થાય તે માટે મળવા પાત્ર ન હોય તેવી ખોટી વેરા શાખનો દાવો કરતા હોવાનું ધ્યાને આવતા વધુ એક વખત સ્ટેટ જીએસટી વિભાગએ રાજ્યભરમાં 49 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. અને વિવિધ વેપારીઓને ત્યાંથી દસ્તાવેજોની ચકાસણી અને વધુ તપાસ ચલાવવામાં આવી છે. જ્યારે જીએસટી વિભાગના દરોડાને પગલે અન્ય વેપારીઓમાં પણ ગભરાટ અને ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જીએસટી વિભાગની એક ટીમે વડોદરા શહેરના ત્રણ શોરૂમમાં દરોડા પાડ્યા છે. જેમાં સુલતાનપુરા, ઘડીયાળી પોળ અને રાવપુરા એમ કુલ મળી ત્રણ શોરૂમમાં જીએસટીની અલગ અલગ ત્રણ ટીમો દ્વારા આ દરોડા પાડી ઓડિટની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં જીએસટી વિભાગે પાડેલા દરોડામાં મેવાડા કલેક્શન મેવાડા ડ્રેસવાલા અને મેવાડા જ્વેલર્સનો સમાવેશ થાય છે. જ્યારે કરચોરી ઝડપાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.