Vadodara

વડોદરા : સુભાનપુરા વિસ્તારમાં હથિયારધારી તસ્કરો ત્રાટક્યા, ગોરવા પોલીસ ઊંઘતી ઝડપાઈ

માતૃછાયા સોસાયટીના બંધ મકાનની જાળીનો નકુચો તાળા સાથે તોડી ઘરમાં ઘૂસ્યા, પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં ફરકતા નહી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ

વડોદરા તારીખ 21
સમગ્ર વડોદરા શહેરને તસ્કરોએ બાનમાં લીધું હોય તેમ અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે મંદિર, દુકાન અને મકાનોને નિશાન બનાવી આતંક ફેલાવ્યો છે. ત્યારે ફરી ગોરવા સુભાનપુરા વિસ્તારમાં આવેલી માતૃછાયા સોસાયટીમાં રાત્રિના સમય દરમિયાન હથિયારધારી તસ્કરો ત્રાટક્યા હતા. મકાનની જાળીને મારેલું તાળું નકુચા સાથે તોડી ઘરમાં પ્રવેશ્યા હતા પરંતુ ચોરોને જોઈ જતા સ્થાનિક સોસાયટીના યુવકોએ આ તસ્કરોને પડકારતા તેઓ ભાગ્યા હતા. જેને લઇને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ માત્ર દારૂની રેકી કરવા આવે છે પરંતુ પેટ્રોલિંગ માટે કોઈ પોલીસ કર્મચારીઓ ફરકતા શુદ્ધા પણ નથી.

વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં ચોરો મંદિર, દુકાન અને મકાનોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ત્યારે વધુ એક વાર ગોરવા સુભાનપુરા વિસ્તારમાં આવેલી માતૃછાયા સોસાયટીમાં રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં તસ્કરો એક બંધ મકાનને ટાર્ગેટ કરી જાળી ને મારેલું તાળું નકુચા સાથે તોડી અંદર પ્રવેશ્યા હતા. સામાન્ય રીતે લોકો બહારથી એક વાગ્યા સુધી જાગતા હોય છે ત્યારે આ બેખૌફ તસ્કરો હથિયાર સાથે ચોરીને અંજામ આપવા માટે આવ્યા હતા. દરમિયાન સોસાયટીના રહીશો આ ચોરોને જોઈ જતા તસ્કરો ભાગવા લાગ્યા હતા તેથી સોસાયટીના તેમનો પીછો કરીને પડકાર્યા હતા ત્યારે તેઓ હથિયારો સાથે યુવકોની સામે આવ્યા હતા પરંતુ આ યુવકોએ પથ્થરો ઉઠાવતા તેઓ ભાગી ગયા હતા. વારંવાર આ સોસાયટીમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ પર આકરા પ્રહાર કરીને માત્ર દારૂની જ રેકી કરવા આવે છે પરંતુ પેટ્રોલિંગ માટે કોઈ પોલીસ કર્મચારી વિસ્તારમાં ફરતા નથી તેવુ પણ આક્રોશ સાથે લોકોએ કહ્યું હતું. લોકો ફરિયાદ કરવા જાય છે ત્યારે તમારે જાતે સુવિધા રાખવાની ઉપરાંત અમે ક્યાં તસ્કરોને શોધવા જઈએ તેમ પોલીસ જણાવતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. મકાન માલિક આવ્યા બાદ કેટલી મતાની ચોરી થઈ છે તેની સત્તાવાર માહિતી જાણવા મળશે.

Most Popular

To Top