વડોદરા તારીખ 5
સુખલીપુરા ગામની જમીન વેચાણ આપવાનું કહીને ભાજપના ધારાસભ્ય સહિત આંબલિયારાના વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર બે આરોપી પૈકી કમલેશ દેત્રોજાની અટલાદરા તેના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે દિલીપ ગોહિલને વોન્ટેડ જાહેર કરાયો છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા ભાજપના ધારાસભ્ય પરાક્રમસિંહ જાડેજા ને જમીન વેચાણ આપવાનું કહીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપ ગોહિલ તથા કમલેશ દેત્રોજાએ રૂપિયા 21 લાખ પડાવી લીધા હતા પરંતુ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. જેની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારબાદ વધુ એક ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આંબલિયારા ખાતે રહેતા વૃદ્ધે નોંધાવી છે. બંને ઠગોએ સુખલીપુરાની જમીન વેચાણ આપવાનું કહીને તેમની પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવી લીધા હતા. જમીન માલિક બીમાર હોવાનું કહીને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હતા કે તેમના રૂપિયા પણ પરત આપતા ન હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કમલેશ દેત્રોજા તેના અટલાદરાના ઘરે આવ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈ કરનાર બંને આરોપી પૈકી કમલેશ દેત્રોજાની અટલાદરા ના ઘરમાંથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દિલીપ ગોહિલ હજુ નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.