Vadodara

વડોદરા : સિટી પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આરોપીનો ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ

વડોદરા તારીખ 16

વર્ષ 2016 માં વારસિયા રીંગ રોડ પરથી એકલતાનો લાભ લઈને યુવતીનું રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયા બાદ રાજકોટમાં એક રૂમમાં ગોંધી રાખી તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ત્યારે અપહરણ અને દુષ્કર્મના આરોપીઓ પૈકી શાંતુ નીનામાને નવ વર્ષ બાદ આજવા રોડ પરથી પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે આ આરોપીએ સિટી પોલીસ સ્ટેશનના બાથરૂમમાં ચાદરના ટુકડા વડે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વર્ષ 2016 માં મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં રહેતા શાંતુ નીનામાં, તેના ભાઈ સહિતના અન્ય શ્રમિકો મજૂરી માટે વડોદરા આવ્યા હતા. ત્યારે પંચમહાલ જિલ્લામાં રહેતી 28 વર્ષીય યુવતીનું વારસિયા રીંગ રોડ પરથી શાંતુ નીનામા અને તેના ભાઈ કમલેશ નીનામા સહિતના આરોપીઓએ રિક્ષામાં બળજબરીપૂર્વક બેસાડીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ આ યુવતીને રાજકોટ તરફ લઈ ગયા હતા. ત્યાં એક રૂમમાં યુવતીને ગોંધી રાખીને શાંતુ નીનામા સહિતના આરોપીઓએ તેના પર વારંવાર સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન સીટી પોલીસ દ્વારા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં નાસતા ફરતા ચાર આરોપીઓ પૈકીના મધ્યપ્રદેશના શાંતુ નીનામાને આજવા રોડ પરથી કામ કરતી વેળા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી નવ વર્ષ બાદ ઝડપાતા તેના અન્ય સાગરીતો ને ઝડપી પાડવા માટે તથા વધુ પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. દરમિયાન દુષ્કર્મના આરોપી શાંતુ નીનામાએ સીટી પોલીસ સ્ટેશનમાં બાથરૂમમાં જઈને ચાદરના ટુકડાથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારીઓ તેને બાથરૂમમાં લઈ ગયા હોય અંદર થોડી વાર થઈ જતા તેમને શંકા ગઈ હતી અને બાથરૂમમાં જઈને ચેક કરતા આરોપી ફાસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ આરોપીએ બાથરૂમમાં આપઘાતનો પ્રયાસ કરતા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે.

Most Popular

To Top