સયાજી ટાઉનશિપમાં રાત્રીના સમયે દુકાન બંધ કરી રહેલા વૃદ્ધા એકલા હોય નિશાન બનાવ્યાં
બુમાબુમ કરવા છતાં આગળ ઉભેલા સાગરિતની બાઇક પાછળ બેસી ગઠિયો રફુચક્કર થઇ ગયો
પ્રતિનિધિ વડોદરા તા.22
વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં સયાજી ટાઉનશિપ પાસે કરિયાણાની દુકાન બંધ કરી રહેલા વૃદ્ધ મહિલા પાસે એક શખ્સ સિગારેટ અને પડીકી લેવાના બહાને આવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની રૂ. 65 હજારની ચેન તોડ્યા બાદ આગળ ઉભેલા તેના સાગરીતની બાઇકની પાછળ બેસી ભાગી ગયો હતો.
વડોદરા શહેરમાં બાઇક સવાર ટોળકી સક્રિય થઇને ફરી રહી છે અને ચાલતા તથા ટુ વ્હીલર જતી મહિલાઓને નિશાન બનાવીને તેમના ગળામાંથી સોનાની ચેન આંચકીને ફરાર થઇ જતા હોય છે. ત્યારે ખોડિયારનગર વિસ્તારમા સયાજીટાઉનશીપમાં રહેતા જ્યોત્સનાબેન મોતીલાલ કનોજિયા (ઉં.વ.65) શિવ શક્તિ પ્રોવિઝન સ્ટોર નામની કરીયાણાની દુકાન ધરાવે છે. દરમિયાન 21 મેના રોજ વૃદ્ધ મહિલાના રાત્રીના સમયે દુકાન બંધ કરી રહ્યા હતા. તે દરમિયાન 20 રૂપિયા આપીને અજાણ્યો શખ્સ તેમની પાસે ગ્રાહક બનીને આવ્યો હતો. વૃધ્ધા સિગારેટ અને પડીકી આપવા માટે ટેબલ તરફ ગયા હતા. તે દરમિયાન વૃદ્ધ મહિલા કાઇ સમજે તે પહેલા જ આ શખ્સે વૃદ્ધાના ગળામાંથી સોનાની રૂ.65 હજારની 12 ગ્રામની ચેન તોડી લીધા બાદ ભાગ્યો હતો અને દુકાનથી થોડે આગળ બાઇક લઇને ઉભેલા અન્ય સાગરીતની પાછળ બેસીને બંને ગઠિયા રફુચક્કર થઇ ગયા હતા. જેથી મહિલાએ બુમાબુમ કરવા છતાં બાઇક સવાર ગઠિયા ફરાર થઇ ગયા હતા. જેથી વૃદ્ધ મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી બાપોદ પોલીસ ફરાર ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.