ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રો મટીરીયલનો જથ્થો મળી આવ્યો :
એફએસએલની મદદ લેવામાં આવી :



( પ્રતિનિધિ )વડોદરા,તા.23
સંસ્કારી નગરી તરીકે જાણીતું વડોદરા શહેર છેલ્લા ઘણા સમયથી નશાના કારોબારના હબ સાથે સાથે ડ્રગ્સના સેવનનું બંધાણી બનતું જઈ રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લા ના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં આવેલ અવાવરૂ ખેતરના ઝૂંપડા, મકાનોમાં જિલ્લા એસઓજીની ટીમે દરોડા પાડી ડ્રગ્સ બનાવવાની મશીનરી, રો મટીરિયલ સહીત શંકાસ્પદ સિંથેટિક ડ્રગ્સના જથ્થો ઝડપી પાડ્યો હોવાનું પોલીસ સૂત્રોથી જાણવા મળ્યું છે


જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં આવેલ અવાવરૂ ખેતરના ઝૂંપડા, મકાનોમાં ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે મોડી રાતે બેટરીના અજવાળાના સહારે મોકસી ગામની સીમમાં આવેલ અવાવરૂ ખેતરના ઝૂંપડા, મકાનોમાં દરોડો પાડ્યો હતો. મધ રાત સુધી ચાલેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ સિંથેટિક ડ્રગ્સના જથ્થો મળી આવતા એસઓજી પોલીસે એફએસએલની મદદ લીધી હતી. હાલ દરોડા અને શંકાસ્પદ જથ્થાની તપાસની કામગીરી ચાલી રહી છે. શંકાસ્પદ સિંથેટિક ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીએ એક ઇસમની અટકાયત પણ કરી છે. જેની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સાવલી તાલુકામાં મોકસી ખાતે થી ગુજરાત ATSએ દરોડા પાડી ડ્રગ્સ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી કરોડો રૂપિયાનો એમ.ડી/ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો ત્યારે વધુ એકવાર જિલ્લા એસ.ઓ.જી ની ટીમે મોકસી ગામની સીમમાં આવેલ અવાવરું ખેતરમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબાર નો પર્દાફાશ કરી ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રોમટીરિયલનો વિપુલ માત્રા શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે.
