સભાખંડમાં મૂકેલ ઇમરજન્સી ફાયર એક્સ્ટિંગ્યુશર સિલિન્ડર અણીના સમયે જ ન નિકળ્યું
પાલિકાના કર્મચારીઓ દ્વારા અન્ય જગ્યાએથી ફાયર એક્સ્ટિંગ્યુશર લાવી આગ લાગે તે પહેલાં કાબૂ મેળવ્યો
ગુરુવારે સાંજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પાલિકા કચેરીના સભા ખંડમાં ચાલી રહી હતી તે દરમિયાન સભાના દોઢ કલાક બાદ અચાનક સભાખંડના એ.સી.માંથી ધૂમાડો નિકળવા લાગ્યો હતો જેના કારણે એક તબક્કે સભાસદો, મ્યુનિ. કમિશનર દિલીપ રાણા તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઇ બારોટ, સભા સેક્રેટરી સૌ કોઇ હેબતાઇ ગયા હતા અને સભાખંડમાંથી બહાર નિકળવા સભા સેક્રેટરીની સૂચનાથી સૌ સભાસદો બહાર નિકળી ગયા હતા. પાલિકાના ઉપસ્થિત સ્ટાફે તાબડતોબ એસી ની સ્વિચ વિજ સપ્લાય બંધ કર્યો હતો અને સભાખંડના મુખ્ય દરવાજા પાછળ રહેલા ઇમરજન્સી ફાયર એક્સ્ટિંગ્યુશર સિલિન્ડર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અણીના સમયે કોશિશ બાદ પણ આ ફાયર એકસ્ટિંગ્યુસર ન નિકળતા અન્ય રૂમમાંથી ફાયર એક્સ્ટિંગ્યુશર લાવી કામગીરી કરી હતી. જો સંજોગોવશાત આગ એકદમ વધી હોત તો એસી નીચે સભાસદો કે અન્ય લોકોને નુકસાન થાત .સભાખંડમાં એક તબક્કે ધુમાડાના ગોટેગોટાથી સમગ્ર સભાખંડમાં ધૂમાડો પ્રસરી ગયો હતો અને સભાને થોડીવાર માટે મુલતવી રાખવી પડી હતી.