Vadodara

વડોદરા સહિત રાજ્યભરમાં આજથી બંધ થશે સસ્તા અનાજનું વિતરણ

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનો નિર્ણય; સરકારી જથ્થાનું ચલણ પણ નહીં ભરાય

વડોદરા: રાજ્યભરના લાખો ગરીબ પરિવારોને અસર કરતા મહત્વના નિર્ણયરૂપે આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે નાગરિક રેશન કાર્ડધારકોને હવે આગળથી અનાજ મેળવવામાં મુશ્કેલી પડશે.

એસોસિએશનના જણાવ્યા મુજબ, ફેર પ્રાઈઝ દુકાનદારોની લાંબા સમયથી બાકી રહેલી વિવિધ માગણીઓને લઈ સરકારે કોઈ સંવેદનશીલ વલણ દાખવ્યું નથી. પગાર વધારાના મુદ્દા, કમિશન રકમમાં વધારો, તેમજ ટેકનિકલ પ્રક્રિયાના સરળીકરણ જેવી માગો પર ધ્યાન ન પાતા દુકાનદારો ગુસ્સામાં આવ્યા છે.
તેના પગલે આજથી સમગ્ર રાજયમાં રેશન દુકાન ચાલકોએ સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આજથી કોઈપણ ફેર પ્રાઈઝ શોપ પર સરકારી અનાજનું નિયમિત વિતરણ નહીં થાય.
એસોસિએશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે “અમારી માગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.”
આ નિર્ણયને પગલે રાજ્યભરમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ચિંતા ફેલાઈ છે. મોટી સંખ્યામાં રેશન કાર્ડધારકો દૈનિક જરૂરીયાતના અનાજ માટે આ દુકાનો પર આધાર રાખે છે. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના બધા જિલ્લાઓમાં આજથી રેશની દુકાનો બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
સસ્તા અનાજની દુકાનો પર અનાજ ન મળવાના કારણે લાખો પરિવારો મુશ્કેલીમાં મુકાયા જો રાજ્ય સરકાર તાત્કાલિક કોઈ નિર્ણય ન લે તો આવનારા સમયમાં રેશનકાર્ડ ધારકો જે સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવતા હોય છે તેઓને ભૂખ્યા રહેવાનો વારો આવી શકે છે.

Most Popular

To Top