દબંગ અભિનેતાને ધમકી ભર્યા મેસેજનું કનેક્શન વડોદરા જિલ્લાના રવાલ ગામનું મળ્યું, માતા જ્યુસની દુકાન ચલાવતી હોય પુત્ર ત્યાં બેસે છે, યુવક પાસે સ્માર્ટફોન છે અને તે સોશિયલ મીડિયાનો ખૂબ જ શોખીન છે
વડોદરા તારીખ 15
બોલિવૂડના અભિનેતા સલમાન ખાનને અવારનવાર ધમકી મળતી રહેતી હોય છે. ત્યારે હવે આ દબંગ અભિનેતાને વધુ એક ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો જેમાં વડોદરા જિલ્લાના રવાલ ગામનું કનેક્શન નીકળ્યું હતું. જેથી મુંબઈ પોલીસે વડોદરામાં ધામા નાખ્યા હતા અને રવાલ ગામે જઈને તપાસ કરી હતી ત્યારે મેસેજ કરનાર યુવક માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ યુવકની કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ પોલીસ નોટિસ આપીને માનસિક અસ્વસ્થ હોવાના પુરાવા સાથે રજૂ થવાનું કહીને પરત નીકળી ગઈ હતી. યુવક માનસિક બીમાર ભલે હોય પરંતુ તેને સોશિયલ મીડિયાનો ઘણો શોખ છે અને તે સ્માર્ટફોન નો પણ ઉપયોગ કરે છે. માતાની જ્યુસની દુકાન હોય પુત્ર ત્યાં માતા સાથે બેસતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો મેસેજ મુંબઈના વરલી પરિવહન વિભાગને મોકલવામાં આવ્યો હતો. જેથી વરલી પોલીસ મથકમાં ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો ત્યારે આ ધમકી ભર્યા મેસેજનું કનેક્શન વડોદરા હોવાનું બહાર આવ્યું હતું. જેથી મુંબઈ પોલીસની ટીમે વડોદરામાં ધામા નાખ્યા હતા અને વાઘોડિયા તાલુકાના રવાલ ગામેથી ધમકી ભર્યો મેસેજ આવ્યો હોવાનું સામે આવતા મુંબઈની પોલીસે વાઘોડિયા પોલીસને સાથે રાખીને વાઘોડિયાના રવાલ ગામ ખાતે તપાસ કરવા પહોંચી હતી. ધમકી ભર્યો મેસેજ કરનાર મયંક પંડ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ યુવક તેની માતા જ્યુસની દુકાન ચલાવતા હોય ત્યાં બેસે છે. જેથી પોલીસે આ યુવકની કલાકો સુધી પુછપરછ કરવામાં આવી હતી. જોકે પોલીસની પુછપરછમાં યુવક માનસિક રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. તેથી યુવકને નોટિસ આપીને મુંબઈ પોલીસ પરત રવાના થઇ છે.વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ દ્વારા તેમને જાણ કરાઈ હતી કે સલમાન ખાનને ધમકી ભર્યો મેસેજ વાઘોડિયાના રવાલ ગામમાંથી કરાયો હતો. જેથી અમે આ બાબતે રવાલ ગામમાં જઈને તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રવાલ ગામમાં રહેતા 26 વર્ષીય મયંક પંડ્યા માનસિક અસ્વસ્થ છે અને તેની છેલ્લા 12 વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેને સોશિયલ મીડિયાનો ખુબ શોખ છે અને તેની પાસે સ્માર્ટફોન પણ છે. માનસિક બીમાર યુવકના મિત્રો ન હોવાના કારણે કોઈપણ લિંક આવે તેમાં જોડાઈ જાય છે. આ દરમિયાન ધમકી ભર્યો મેસેજ મોકલી દીધો હતો. જેથી મુંબઈ પોલીસની ટીમે આવીને આ બાબતે તપાસ કરી યુવકને નોટિસ આપીને ગઈ છે જેમાં તેના પરિવારને યુવક માનસિક બીમાર હોવાના પુરાવા પણ રજૂ કરવા માટેનું જણાવ્યું છે.
