સરકારી આદેશનું ઉલ્લંધન કરનાર ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.15
ડો.બાબાસાહેબ આંબેડકર અને મહાવીર જયંતિ જેવી સરકારી રજાઓના દિવસે શાળા ચાલુ રાખી સરકારી આદેશનું ઉલ્લંધન કરનાર ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓને રજૂઆત કરવામાં આવી હતી.

તા.14 એપ્રિલના રોજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિએ જાહેર રજા મંજૂર કરેલ હોય ત્યારે વડોદરા ની મકરપુરા, અટલાદરા, કલાલી સ્થિત આવેલ ફોનિકસ સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવેલ હતી. આ શાળાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંધન કરેલ છે.આ મામલે મંગળવારે બપોરે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખને ફોનિકસ સ્કૂલના વાલીનો ફોન આવ્યો અને કોંગ્રેસ પ્રમુખ, કાર્યકરો સાથે સ્કૂલો પર જાત તપાસ કરતાં માલૂમ પડયું કે ફોનિક્સ સ્કૂલે સરકારના આદેશનો ઉલ્લંધન કરેલ છે અને તેમણે ત્યાંથી વડોદરા શહેરના કલેકટરને ટેલિફોનિક જાણ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ ફોન ન ઉપાડતા. આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી સરકારના આદેશનું પાલન ન કરનાર ફોનિકસ સ્કૂલ સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ તેવી માંગણી કરવામાં આવી હતી.
