Vadodara

વડોદરા : સયાજી સરોવર ખાતે પૂજા દરમિયાન મહિલા નગરસેવકનો પગ લપસ્યો

સારો વરસાદ રહે તે માટે પાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન :

જળ દેવના પૂજન દરમિયાન મહિલા નગરસેવક પાણીમાં ખાબકયા :

( પ્રતિનિધિ ) વડોદરા તા.7

વરસાદ સારો રહે તે માટે પ્રતિવર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજ કરવામાં આવે છે. આ વખતે પણ મેયર પિન્કીબેન સોનીના યજમાન પદે કથા યોજવામાં આવી હતી. આ વેળાએ પૂજા કરવા નીચે ઉતરેલા નગર સેવકો સહિત મહાનુભાવો પૈકી વોર્ડ 13ના મહિલા નગરસેવક લપસી પડતા પાણીમાં ખબકયા હતા.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સારો વરસાદ રહે અને શહેરના નદી જળાશયો પાણીથી ભરાયેલા રહે પાણીની તંગી ઊભી ન થાય તે માટે ભગવાન સત્યનારાયણની કથા કરી જળદેવનું પૂજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના યજમાન પદે સયાજી સરોવર આજવા ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકામાંથી મેયર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને નગર સેવકો હાજર રહ્યા હતા. આ દરમિયાન ઉપસ્થિત સૌ મહાનુભાવો જળદેવના પૂજન માટે નીચે ઉતર્યા હતા. તેવામાં અચાનક વોર્ડ નંબર 13 ના મહિલા કાઉન્સિલર જ્યોતિબેન પટેલનો પગ લપસી પડતા તેઓ પાણીમાં ખાબકયા હતા. આ ઘટનાને લઇ તુરત સ્થળ પર હાજર મહાનુભાવો દ્વારા તેમનો હાથ પકડી ત્વરિત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે તેમને કોઈ ઈજા નહિ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top