કેનાલમાં લાપતા બનેલા યુવકની ભાળ નહિ મળતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ
કેનાલમાં લાપતા બનેલા યુવકની ફાયરબ્રિગેડના જવાનો દ્વારા શોધખોળ :
( પ્રતિનિધિ ) વડોદરા તા.20
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં સોલાર પેનલ સાફ કરતી વખતે પેનલ તૂટી જતા સાફ સફાઈ કરી રહેલ યુવાન કેનાલમાં ડૂબી ગયા બાદ લાપતા બન્યો છે. બનાવની જાણ થતા તુરંત ફાયબ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને કેનાલમાં લાપતા બનેલા યુવકની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના સમા ડોમિનોઝ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર લાગેલી સોલાર પેનલ સાફ કરવા માટે એક યુવક ઉપર ચડ્યો હતો. આ દરમિયાન એકાએક પેનલ તૂટી જતા આ યુવક નર્મદા કેનાલમાં ખાબક્યો હતો. જે બાદ કેનાલમાં યુવક લાપતા બન્યો છે. 12 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છતાં યુવકની ભાળ મળી નથી. જ્યારે પરિવારજનોએ કોન્ટ્રાકટરની બેદરકારી સામે આક્ષેપ કર્યા હતા.
કોન્ટ્રાકટર સેફટીના સાધનો નહિ આપતો હોવાના પરિવારજનોના આક્ષેપ
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સમા વિસ્તારમાં રહેતો ઉ.વ.30 ચંદ્રેશ અગ્રવાલ નામનો યુવાન મેઘા એન્જીનીયરીંગ કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ છેલ્લા 7 વર્ષથી નોકરી કરતો હતી. ચંદ્રેશ અને તેની સાથે બીજા બે કર્મચારીઓ સમા નર્મદા કેનાલ ઉપર લાગેલી સોલાર પેનલની સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન ખખડી ગયેલી એક પેનલ તૂટી જતા ચંદ્રેશ કેનાલમાં ખાબક્યો હતો. બનાવને પગલે સાથી કર્મચારીઓએ બુમરાણ મચાવી મૂકી હતી. જેથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયબ્રિગેડને કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
બીજી તરફ સ્થળ પર પહોંચેલા પરિવારજનોએ કોન્ટ્રાકટર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘણા વખતથી સોલાર પેનલ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ક્લિનિંગ કરાવવાની કામગીરી કરાવવામાં આવતી હતી પરંતુ તે સેફ્ટીના સાધન નહિ આપતો હોવાના આક્ષેપ કર્યા હતા. ગતરાત્રીએ ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ચેનલમાં લાપતા બનેલા યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી જોકે તે મળી નહીં આવતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બીજા દિવસે કેનાલમાં બોટ ઉતારી ગુમ થયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ સમા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી તરફથી પ્રવેશીને શેરખી તરફ નીકળતી નર્મદા કેનાલમાં સમા વિસ્તારમાં નર્મદા નિગમ દ્વારા કેનલની ઉપરના ભાગે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરવાનો અભિગમ વર્ષો પહેલા અપનાવવામાં આવ્યો હતો. આ સોલાર પેનલ પુરતા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે તે માટે તેની સફાઈનો ઈજારો ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. જે કોન્ટ્રાકટરના માણસો નિયમિત સોલાર પેનાલની સફાઈ કરતા હોય છે. ત્યારે સફાઈ દરમિયાન નબળી પડી ગયેલી સોલાર પેનલ તેની ફ્રેમ પરથી તૂટી જતા તેની નજીક ઉભેલો ચંદ્રેશ અગ્રવાલ નામનો કોન્ટ્રાક્ટનો કર્મચારી કેનાલમાં ખાબક્યો હતો.