Vadodara

વડોદરા : સમામાં કોન્ટ્રાકટરની કામગીરીમાં વેઠ,બસ ખાડામાં ફસાઈ

બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવી પડી, ભારે જહેમતે ખાડામાં ફસાયેલી બસને બહાર કાઢવામાં આવી :

( પ્રતિનિધિ ) વડોદરા તા.1

વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદ બાદ હવે ઠેર ઠેર રસ્તો બેસી જવાની ઘટના સામે આવી રહી છે. જેમાં આજે સમા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરીના કારણે એક ટ્રાવેલ્સની બસ ખાડામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે.

વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનમાં શહેરના વિકાસના નામે ફક્ત અને ફક્ત કૌભાંડો જ થયા છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ પણ વિકાસમાં પાછળ રહી ગયેલા વડોદરા માટે કારણભૂત પરિબળોની માહિતી પૂછી હતી. એક સરખું આયોજન કરતા રાજ્યમાં એક નગર વિકાસમાં પાછળ કેમ રહી જાય તેનો નમૂનો છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં પડેલા વરસાદે પૂરો પાડ્યો છે. શહેરમાં વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે જે સ્થાને છેલ્લા એક વર્ષમાં ડ્રેનેજ લાઈન પાણીની લાઈન તેમજ વરસાદી કાચનું કામ થયું હોય ત્યાં અધૂરા પુરાણને કારણે રસ્તો બેસી જવાની સમસ્યા ઊભી થઈ છે. અધૂરા પુરાણ ઉપર જ ઇજારદારોએ ડામર પાથરીને રોડ પણ બનાવી દીધો છે. જે રોડ હવે સામાન્ય વાહનોનું વજન સહન કરી શકતા નથી.

શહેરના સમા વિસ્તારમાં જવાહર નગરની સામે પસાર થતી એક બસ રસ્તો બેસી જવાને કારણે ખાડામાં ફસાઈ ગઈ હતી. બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી અને ભારે જહેમતે ખાડામાં ફસાયેલી બસને બહાર કાઢવામાં આવી હતી. જે પ્રમાણે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા મહાનગરપાલિકામાં થવી જોઈએ તે પ્રમાણેની વ્યવસ્થા શહેરમાં થઈ નથી. હજી તો ચોમાસાનો પ્રારંભ છે. ત્યારે ઠેર ઠેર રસ્તો બેસી જવા તેમજ ભુવા પડવાની સમસ્યાઓ શરૂ થવા માંડી છે. આવનારા સમયમાં શહેરીજનોની હાલતો શું થશે તે જોવું રહ્યું.

Most Popular

To Top