મુસાફરોમાં આગ લાગી હોવાની વાત ફેલાતા ટ્રેનને ચેન પુલિંગ કરીને ઈમરજન્સીમાં થોભાવાઈ :
કાગળ સળગાવવાથી અથવા તો સિગારેટ પીવાના કારણે ધુમાડો નીકળતા મુસાફરોમાં આગ લાગી હોવાની વાતને લઈ ફફડાટ :



( પ્રતિનિધિ )વડોદરા,તા.25
વડોદરા શહેર નજીક સમલાયા રેલ્વે સ્ટેશન પાસે દેહરાદુન એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી ધુમાડો નીકળતા આગ લાગી હોવાની વાતને લઈ ચેન પુલિગ કરી મુસાફરો નીચે ઉતરી ગયા હતા. જ્યારે ટ્રેનમાં સવાર એક મુસાફરે ફાયર એક્ટિંગયુશર વડે પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

ચાંપાનેર-સમલાયા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બામાં આગ લાગી હોવાની વાતને લઈ ટ્રેનને ચેન પુલિંગ કરીને ઈમરજન્સીમાં રસ્તામાં થોભાવી દેવામાં આવી હતી. ટ્રેનમાં લાગેલ આગની ઘટનાને લઈ ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનમાં સવાર તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનમાં ઉપલબ્ધ ફાયર ઉપકરણોની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ટ્રેનમાં આગનો મેસેજ મળતાજ તુરંત રેલ્વે અધિકારીઓ ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. આગના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે એક તબક્કે મુસાફરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ અંગે પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસરે માહિતી આપતા જણાવ્યું હતું કે, જનરલ કોચમાંથી સ્મોક બહાર નીકળ્યો,આગ લાગી નથી. કોઈ કાગળ બળવાથી અથવાતો સિગારેટનો સ્મોક હોઈ શકે. ટ્રેનમાં કોઈ ખામી થઈ નથી. પણ પબ્લિક પેનિક થઈ જાય. મોટો કોઈ બનાવ બન્યો નથી. જનરલ કોચના દરવાજા પાસેથી ધુમાડો નીકળતા લોકોમાં આગ લાગી હોવાની વાતને લઈ અફરાતફરી મચી ગઇ હતી. જોકે આગ લાગી ન હતી. બાદમાં ટ્રેન પુનઃ રવાના થઈ ગઈ હતી.
