ભ્રષ્ટાચારનો ભુવો અને મોતનો કૂવો,વિશાળ ભુવાનું અકસ્માતને આમંત્રણ
બેરીકેડ મૂકી ભુવાને કોર્ડન કરાયો,રોડ બેસી જવાની ભીતિ સેવાઈ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના સનફાર્મા રોડ ઉપર મોડી રાત્રે મોટો ભૂવો આકાર પામ્યો હતો. આ ભુવો અંદરથી ખૂબ જ પહોળો છે. તેની બાજુમાંથી કોઈ મોટું વાહન પસાર થાય તો આખે આખું વાહન અંદર ઘૂસી જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ આ ભુવાની આસપાસ બેરીકેટ મુકવામાં આવ્યા છે. જો વહેલી તકે આ ભુવાને પૂરવામાં નહીં આવે તો આખો રોડ બેસી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.
ભુવા નગરીમાં વધુ એક ભુવાનું સર્જન થયું છે. શહેરના સન ફાર્મા રોડ પર મોટો ભુવો નિર્માણ પામ્યો છે. આની આસપાસથી જો કોઈ મોટું વાહન પસાર થાય તો આખે આખું વાહન અંદર ઉતરી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અગાઉ પણ આ વિસ્તારમાં ભુવા પડ્યા હતા. ત્યારે ફરી એક વખત મોટો ભુવો આકાર પામતા રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવ્યો હોય તેમજ હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને રોડ બનાવવામાં આવ્યો હોય તે આ ભુવા પર થી જોઈ શકાય છે. ત્યારે સ્થળ પર પહોંચેલા કોંગ્રેસના પ્રમુખે ઋત્વિક જોશીએ તંત્રની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી. સ્થાનિકે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 11ના વિસ્તારમાં આવેલો સનફાર્મા રોડ ઉપર એટલો મોટો ભુવો પડ્યો છે કે જો આ ભુવામાં કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આખી ટ્રક જતી રહે એટલો મોટો ભુવો નિર્માણ પામ્યો છે અને ખૂબ જ ઊંડો ખાડો પડી ગયો છે. અંદર જોતા એવું લાગે છે કે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. આ રોડ બનાવવામાં અને જે રીતે રોડની બાજુમાં ઠીંગડા મારેલા છે. એટલે લાગે છે કે પહેલા પણ અહીંયા ભુવો પડ્યો હશે તેમ છતાં ફરી વખત અહીંયા આ વરસાદમાં ભુવો પડ્યો છે .જો અહીંયા બેરીકેs લગાવવામાં ન આવ્યું હોય તો કોઈનો જીવ જાય અને મોટી દુર્ઘટના થાય.