પ્રધાનમંત્રી પર ફૂલોનો વરસાદ, વંદે માતરમના ગીત સાથે પીએમ મોદીને વધાવ્યા :
કારમાંથી બહાર આવીને પીએમએ લોકોનું અભિવાદન ઝીલ્યું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત વડોદરા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હરણી એરપોર્ટથી એરફોર્સ સર્કલ સુધીનો રોડ શો યોજાયો હતો. વડોદરા ખાતે સિંદૂર સન્માન યાત્રામાં વડાપ્રધાન મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરાયું હતું. લોકોએ પ્રધાનમંત્રી પર ફૂલોનો વરસાદ કર્યો હતો. વંદે માતરમ ના ગીત સાથે પીએમ મોદીને વધાવ્યા હતા. દરેક નાગરિકના હાથમાં તિરંગો લહેરાયો હતો.

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વધત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ દિલ્હીથી સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સહિત અન્ય મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ તેઓએ ટુંકા રોડ શોમાં ભાગ લીધો હતો. જુના એરપોર્ટ થી લઇને એરફોર્સ સ્ટેશન સુધી આશરે 1 કિમી સુધી રોડ શો ચાલ્યો હતો. 10 મિનિટમાંજ રોડ શો પૂર્ણ થઈ ગયો હતો. જેમાં તેમણે કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ તેઓ દાહોદમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે હવાઇ માર્ગે રવાના થયા હતા. આ તકે વડોદરા એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પિન્કીબેન સોની, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્યની પોલીસના વડા વિકાસ સહાય, કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.