2 હજાર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર :
સ્કૂલ ફરી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત આપીશું

( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાની ઘટના બાદ કોર્પોરેશનને આ સ્કૂલને સીલ મારી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આ સ્કૂલને પુનઃ શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ ભેગા મળી ફરી એક વખત બેનરો પોસ્ટરો સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા શહેરની શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળામાં ગત વર્ષે દિવાલનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનામાં વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદથી સુરક્ષાનું કારણ આગળ ધરી શાળા બંધ કરી દેવામાં આવી છે. અને વિદ્યાર્થીઓ શિક્ષકોને અન્ય શાળામાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી શાળામાં સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ અત્યાર સુધી તો ભણ્યા, પરંતુ હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ શ્રી નારાયણ વિદ્યાલયને શરૂ કરવા માટેની માંગ કરી રહ્યા છે. અગાઉ પણ તેમણે ટ્રસ્ટીઓ સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન્હતી. જેથી આજે વધુ એક વખત વાલીઓ અને વિદ્યાર્થીઓએ એકત્ર થઇને શાળા ફરી શરૂ કરવાની પોતાની માંગ દોહરાવી છે. અને તેમના સમર્થનમાં શાળાના શિક્ષકો જોડાયા છે. વાલીઓએ જણાવ્યું કે, શાળા ચાલુ કરે તેવી અમારી માંગ છે. શાળા સંચાલકો જાડી ચામડીના થઇ ગયા છે. તેમને ફોન કરીએ તો ફોન નથી ઉપાડતા. અમે એક સ્કુલથી બીજી સ્કુલ કરીને થાકી ગયા છીએ. અમે બધી ઓફિસોમાં જઇને થાકી ગયા છીએ. આનો કોઇ નિર્ણય આવતો નથી. આજે આખરે અમે શાળાના વિદ્યાર્થીઓને અહિંયા બેસાડ્યા છે. શાળાના શિક્ષકો પણ અમને સમર્થન કરી રહ્યા છે. દર થોડા દિવસે અલગ અલગ ટાઇમ આપવામાં આવે છે. હવે પરીક્ષા આવી રહી છે, તમે અમારા સંતાનોના ભવિષ્યનું તો વિચારો. ટ્રસ્ટીઓને કોઇ ફર્ક પડતો નથી. તેઓ આંતરિક વિખવાદમાં પડ્યા છે. તેઓ 2000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ભવિષ્ય જોડે છેડખાની કરી રહ્યા છે. આના માટે અમે ગાંધીનગર સુધી રજુઆત કરી છે. આ લોકોને બને તેટલો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ તેમના પેટનું પાણી હાલતું નથી.