Vadodara

વડોદરા : શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેકનાર માફિયા ગેંગ ગ્રુપના મુખ્ય સૂત્રધાર સહિતની ત્રિપુટીનું સરઘસ પોલીસે કાઢ્યુ

ઈંડા ફેકવાની સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું, આરોપીઓ પાસે જાહેરમાં હાથ જોડી માફી પણ મંગાવી

વડોદરા તારીખ 1
માંજલપુર વિસ્તારના ગણપતિની આગમન યાત્રા સિટી પોલીસ સ્ટેશન પાસેથી મંડળના યુવકો લઈને નીકળ્યા હતા. તે દરમિયાન મદાર માર્કેટ ઉપરથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈંડા પ્રતિમા પર ફેંકીને શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે પોલીસે આ કાવતરુ રચનાર માફિયા ગેંગ ગ્રુપના એડમીન અને મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી સહિતની ત્રિપુટીને અજમેરની હોટલમાંથી દબોચી લીધી હતી. પોલીસે વડોદરા લાવ્યા બાદ આ આરોપી ત્રિપુટીની બરાબરની સરભરા કરી હતી અને આજે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં હાથ જોડી માફી પણ મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય માફિયા ગેંગ ગ્રુપના નવ સભ્યોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે.
માંજલપુરના નિર્મલ યુવક મંડળ દ્વારા કિશનવાડીમાંથી ગણેશ ચતુર્થી પહેલા શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા લઈ જવામાં આવતી હતી. જેવી આગમન યાત્રા પાણીગેટ-માંડવી રોડ ઉપરથી પસાર થઈને સીટી પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે પહોંચતા આ શ્રીજી ની આગમન યાત્રા પર માલદાર માર્કેટના છત પરથી આ સામાજીક તત્વો દ્વારા પાંચ ઇંડા ફેકીને શહેરની કોમી શાંતિને ડહોળવાનું કાવતરૂ રચવામાં આવ્યું હતું. પરંતુ વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ તંત્ર તુરંત એક્શનમાં આવી ગયું હતું અને કોમ્બિંગ શરૂ કરીને કિશોર સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં આ અસામાજિક તત્વો દ્વારા માફિયા ગેંગ નામનું સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવીને તેના પર શહેરનું વાતાવરણ ડહોળાય તેવા વિડિયો બનાવીને અપલોડ કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ દરમિયાન મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગ ગ્રુપના એડમીન જુનેદ સિંધી, સમીર અને અનસના નામ બહાર આવ્યા હતા. જેથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આ ત્રિપુટીનું લોકેશન રાજસ્થાનના અજમેર ખાતેનું મળ્યુ હતું. જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસને અહીંયાથી ઇનપુટ્સ આપ્યા હતા. જેથી અજમેર પોલીસ જુનેદ સિંધી, સમીર અને અનસ સહિતની ત્રિપુટીને હોટલમાં રોકાયો હોય ત્યાં જઈને દબોચી લીધી હતી. ત્રણ આરોપીઓને વડોદરા લાવ્યા બાદ સીટી પોલીસે તેમની ધરપકડ કરી હતી. આજે 1 સપ્ટેમ્બર ના રોજ શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર માફિયા ગેંગના મુખ્ય સૂત્રધાર ત્રિપુટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જોકે આવું કૃત્ય કરનાર આ અસામાજિક તત્વોની પોલીસ દ્વારા બરાબરની સરભરા પણ કરવામાં આવી હતી. ત્રણ આરોપીઓને જે વિસ્તારમાં શ્રીજીની આગમની યાત્રા પર ઈંડા ફેકવામાં આવ્યા હતા. તે વિસ્તારમાં લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓને હાથ જોડી માફી પણ મંગાવવામાં આવી હતી.

Most Popular

To Top