શિક્ષણ વિભાગે ફાયર સેફટીને લઈ પરિપત્ર જારી કર્યો :
( પ્રતિનિધિ ) વડોદરા તા.30
રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને કમિશનર ઓફ શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી 11મી જૂન સુધીમાં રિપોર્ટ મોકલી આપવાનો રહેશે. આ સિવાય સંચાલકો અને વાલીઓને સૂચના આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવી.
ગુજરાતમાં 13 જૂનથી શાળાઓ શરૂ થઈ રહીં છે. જેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા નવા આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બાળકોને શાળાએ મોકલવા માટે સ્કૂલ બને કે રિક્ષાઓ ચાલતી હોય છે. જેમાં ઘણી વાત ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડવામાં આવતા હોય છે પરંતુ તે વાત કોઈને ધ્યાને આવતી નથી. પરંતુ અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નવા શૈક્ષણિક સત્ર પહેલા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે સ્કૂલ વેન-રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર રહેશે. આ સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા 13 જૂનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા ચકાસણી કરવા આદેશ કરી દેવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા તથા સ્કૂલ સેફ્ટી પોલીસી-2016નો ચુસ્ત અમલ કરવા અને ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા બાતનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ સિવાય સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી અંગે પરિપત્ર કરાયો છે. જેમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, રીક્ષા-વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં ન આવે એની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. બીજી તરફ ફાયર અંગે તમામ સ્કૂલમાં તપાસ હાથ ધરવાની સુચના અપાઈ છે. નોંધનીય છે કે, રાજકોટના ગેમઝોનમાં થયેલા ગોઝારા અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાને કારણે અસંખ્ય જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ અને અનેક પરિવારોએ એમના વ્હાલસોયા સ્વજનોને ગુમાવવા પડ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે અંકિત થઈ ગયેલી અગ્નિકાંડની આ ઘટના બાદ હવે રાજ્યના તમામ વિભાગો સફાળા જાગ્યા છે અને ફાયર સેફ્ટી સંબંધે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.