પોર નજીક અણખી–દોલતપુરા રોડ પર દુર્લભ ઘટના
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરા શહેર નજીક પોર વિસ્તારમાં આવેલા અણખી–દોલતપુરા રોડ પર શિકારની શોધમાં નીકળેલી એક દીપડી (Leopard) વીજ કંપનીના ડીપી (ડિસ્ટ્રિબ્યુશન પોલ) પર ચડી જતાં વીજ કરંટ લાગવાથી તેનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્લભ અને ચોંકાવનારી ઘટનાને કારણે સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પોર પાસે આવેલા અણખી દોલતપુરા રોડ વિસ્તારમાં દીપડી અચાનક વીજ ડીપી પર ચડી ગઈ હતી. અનુમાન છે કે કોઈ શિકારને પકડવાની કોશિષમાં દીપડી ડીપી પર પહોંચી હતી. જોકે દીપડી વીજ ડીપી સુધી કેવી રીતે પહોંચી તે બાબતે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગ દ્વારા દીપડીના મૃતદેહને ડીપી પરથી ઉતારી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બિલ્લી કુળની સુરક્ષિત અને સંવેદનશીલ પ્રજાતિના મોતને પગલે વન વિભાગે સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી.
વડોદરા ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત તથા તેમના સ્ટાફ દ્વારા નિયમ અનુસાર દીપડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં દીપડાની વસતીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2016માં દીપડાની સંખ્યા માત્ર 6 જેટલી નોંધાઈ હતી, જ્યારે સાત વર્ષ બાદ એટલે કે 2023ની વસ્તી ગણતરીમાં દીપડાની કુલ વસતી 26 નોંધાઈ હતી. વધતી વસતી સાથે માનવ વસાહત નજીક દીપડાઓના દેખાવાની ઘટનાઓમાં પણ વધારો થતો હોવાનું વન વિભાગ જણાવે છે.
આ ઘટનાએ માનવ અને વન્યજીવન વચ્ચે વધતા સંઘર્ષ અને વીજ લાઈનો જેવી માનવસર્જિત જોખમોથી વન્યજીવોને બચાવવા વધુ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.