રાજ્યની પ્રથમ ડિજિટલ સિસ્ટમથી દર મહિને અંદાજે 2000 અરજદારોને ધક્કામુક્કીમાંથી રાહત
વડોદરા શહેર પ્રાંત કચેરીએ રાજ્યમાં પ્રથમવાર નવી અને ડિજિટલ સિસ્ટમનો પ્રયોગ કરીને લોકોના જીવનમાં એક નવી સરળતા લાવી છે. હવે સમાન ધર્મ માટે અશાંત ધારાની મંજૂરી મેળવવા માટે કચેરીના ચક્કર નહી લગાવવા પડે. માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવાથી મંજૂરી ઝડપથી મળી જશે.

અશાંત ધારાની અરજી પ્રક્રિયા સામાન્ય રીતે લાંબી બની રહેતી હતી. શહેરમાં દર માસે અંદાજે 1500 થી 2000 અરજીઓ આવતી હોવાના કારણે અરજદારોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ આ નવી સિસ્ટમના અમલથી, અરજદારો માટે સમગ્ર પ્રક્રિયા અનુકૂળ અને ઝડપભરી બની જશે. અરજદાર પ્રથમ જનસેવા કેન્દ્ર પર પોતાની અરજી પ્રોસેસ કરશે. જનસેવા કેન્દ્ર પરથી અરજી કર્યા પછી દસેક દિવસ બાદ અરજદાર ક્યુઆર કોડ સ્કેન કરી પોતાની મંજૂરી મેળવી શકશે. આ નવા પ્રયોગથી અરજદારને વારંવાર પ્રાંત કચેરીમાં જવું નહિ પડે સાથે જ કચેરી સંકુલમાં વચેટિયાઓ જે મલાઈ તારવી લેતા હતા તે ધંધા પણ બંધ થઈ જશે.
વડોદરા શહેરના પ્રાંત અધિકારી વી. કે. સાંબડે જણાવ્યું કે, “અશાંત ધારાની અરજીમાં મોટા પ્રમાણમાં સમાન ધર્મના અરજદારોની સંખ્યા હોય છે. આ નવી ક્યુઆર કોડ સિસ્ટમની મદદથી અરજદારોને સમયની બચત થશે અને તેઓ ઝડપથી મંજુરી મેળવી શકશે.”
ઉલ્લેખનીય છે કે, અશાંત ધારાની મંજૂરી મેળવવામાં અગાઉ લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા જે હવે મહદઅંશે બંધ થઈ જશે.
