નાગરવાડા વિસ્તારમાં કાયમી પોલીસ ચોકી શરૂ કરવાની માંગ ઉઠી

વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગત તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ પોલીસ ભવનના કોન્ફરન્સ હોલમાં તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજકલ્યાણ વિભાગના નાયબ નિયામક, એસ.ટી./એસ.સી. સેલના એસીપી સોલંકી, વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ, કોર્પોરેટર ઘનશ્યામભાઈ સોલંકી, નરસિંહભાઈ ચૌહાણ, બિનસરકારી સભ્ય એડવોકેટ હર્ષદ પરમાર, સોલંકી શિલ્પાબેન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી
મીટિંગના એજન્ડા મુજબ તા. ૦૭/૧૧/૨૦૨૫ના રોજ યોજાયેલી સપ્ટેમ્બર–૨૦૨૫ અંતિમ બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે જ ડિસેમ્બર–૨૦૨૫ અંતિમ ત્રિમાસિક ગાળાની વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી.
વિવિધ અધિનિયમ હેઠળના બનાવોની સમીક્ષા
બેઠક દરમિયાન નીચેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી:
નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ–૧૯૫૫ હેઠળ નોંધાયેલા બનાવોની સમીક્ષા
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ–૧૯૮૯ હેઠળ નોંધાયેલા કેસોની સમીક્ષા ચાર્જશીટ બાકી રહેલા બનાવોની સમીક્ષા
કોર્ટ દ્વારા સાબિત/નાસાબિત તેમજ કોર્ટમાં પડતર કેસોની સ્થિતિ પોલીસ રક્ષણવાળા વિસ્તારોની સમીક્ષા
સરકારી વકીલોની કામગીરીનું મૂલ્યાંકન
સંવેદનશીલ વિસ્તારોમાં અત્યાચાર રોકવા માટેના ઉપાયો
પીડિતોને સહાય ચુકવણી અને બાકી રહેલા કેસોની સમીક્ષા
નાગરવાડા વિસ્તારમાં કાયમી પોલીસ ચોકીની માંગ
બેઠક દરમિયાન તકેદારી સમિતિના સભ્ય એડવોકેટ હર્ષદ પરમારે રજૂઆત કરતાં જણાવ્યું કે ગત વર્ષે નાગરવાડા વિસ્તારમાં તપન પરમાર નામના યુવકની અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે સમયે વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મુકવાની માંગ કરવામાં આવી હતી.
ફરી એકવાર આ મુદ્દે રજૂઆત કરતા તેમણે જણાવ્યું કે નાગરવાડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક અટકાવવા અને ખાસ કરીને એસ.સી./એસ.ટી. સમાજના લોકો વિધર્મી અસામાજિક તત્વોના અત્યાચારનો ભોગ ન બને તે માટે કાયમી પોલીસ ચોકી શરૂ કરવી જરૂરી છે. કાયમી પોલીસ હાજરીથી વિસ્તારમાં માથાભારે ઇસમો પર લગામ આવશે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે.
ભોગબનારોને સીધી બેંક સહાયની માહિતી
પોલીસ કમિશનરશ્રીએ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હવે એટ્રોસિટી એક્ટ હેઠળના કેસોમાં ભારત સરકાર દ્વારા પીડિતોને સહાય રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
વધુમાં, એસ.સી./એસ.ટી. સમાજમાં કાયદાકીય જાગૃતિ વધારવા માટે સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી.
કારેલીબાગ વિસ્તારના નાગરવાડામાં કાયમી પોલીસ ચોકી શરૂ કરવાની માંગ સાથે બેઠક પૂર્ણ થઈ હતી.