ભારે વરસાદ બાદ હજીએ કેટલાક રોડની કમરના મણકા તૂટે તેવી હાલત :
હાઈવે નજીક આવેલી સોસાયટીઓના રહીશો અને બાળકોને નોકરી ધંધા તેમજ શાળામાં જવા ઘણી વખત મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. :
( પ્રતિનિધિ )વડોદરા,તા.2
સ્માર્ટ સિટી વડોદરાનો વ્યાપ હવે ધીમે ધીમે વધી રહ્યો છે. તેવીજ રીતે વાહનનોની સંખ્યા પણ વધવા માંડી છે. સવાર સાંજ કેટલાક વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવતી હોય છે. ત્યારે, શહેર બાદ હવે શહેર નજીક આવેલા કેટલાક હાઈવે ઉપર પણ હવે દરરોજ ટ્રાફિકજામ થવાની સમસ્યા રહેતા વાહનચાલકો અને હાઈવે આસપાસ રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
વડોદરા શહેર નજીક આવેલા ગોલ્ડન ચોકડી,દુમાડ ચોકડી આજવા હાઈવે-ચોકડી તો બીજી તરફ પોર જાંબુઆ હાઈવે અહીં દરરોજ ભારે ટ્રાફિકજામ થવાની સમસ્યા દરરોજ સર્જાઈ રહી છે. જેના કારણે સવારે નોકરી ધંધા પર જતાં લોકો અને શાળા કોલેજોમાં જતા બાળકો પરેશાન થઈ ઉઠ્યા છે. ખાસ કરીને હાઈવે નજીક આવેલી કેટલીક સોસાયટીમાં રહેતા લોકોને તો ઘરની બહાર હાઈવે પર આવે કે તરત જ ટ્રાફિકમાં ફસાવવાની ફરજ પડતી હોય છે. ઘણીવાર તો કેટલીક ચોકડીઓ પર ટ્રાફિક પોલીસ હોતી નથી, આવા સમયે જ્યારે ટ્રાફિકજામ થાય છે, ત્યારે ઘણી વખત જે તે વાહનચાલકો અથવા તો નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ હાઈવે પર ખાણીપીણીનો ધંધો કરતા લોકોને ટ્રાફિક હળવો કરવાની ફરજ પડતી હોય છે. પરંતુ આ સમસ્યાનું આજદિન સુધી નિરાકરણ કરવામાં આવતું નથી. ત્યારે, બીજી તરફ જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે. એક રહીશે તો આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ પત્રો લખેલા છે અને સામેથી જવાબ મળેલો છે કે ભરૂચ થી વડોદરા તરફ સાંકડા 4થી 5 બ્રિજ પહોળા કરવાની ભલામણ કરેલી છે. એ લોકો કહે છે કે ટેન્ડર આપી દેવાયા છે. પરંતુ આ બ્રિજનું કામ ક્યારે શરૂ થશે. અહીં રોજ ટ્રાફિક થાય છે અમે ટ્રાફિક શાખામાં ફોન કરીએ છીએ પરંતુ, તેમની ગાડીઓ જલ્દી આવતી નથી. જેથી ટ્રાફિક મેનેજ થતો નથી અને નોકરી ધંધા પર જતા લોકો પરેશાન થાય છે. કારણ કે આ બ્રિજ શહેરને જોડે છે અને શહેરમાંથી પોર તરફ ઘણા લોકો નોકરી ધંધા પર જતા હોય છે. જે લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.