વડોદરા શહેરમાં વધુ બે ભૂવા પડ્યા – Gujaratmitra Daily Newspaper

Vadodara

વડોદરા શહેરમાં વધુ બે ભૂવા પડ્યા

હે ગણેશજી, ભુવાઓથી વડોદરા ની પ્રજાનું રક્ષણ કરજો


પ્રતિનિધિ વડોદરા તા. 8
વડોદરામાં પૂરે પહેલેથી જ શહેરની સ્થિતિ અસ્તવ્યસ્ત કરી દીધી છે અને તેવામાં શહેરના રાજમાર્ગો પર ભૂવાઓ પડવાનું બંધ નથી થઈ રહ્યું. જે પરિસ્થિતિ પૂર આવ્યું તે પહેલા હતી તેમાં આજે કોઈ બદલાવ આવ્યો નથી. હવે તો વિશાળકાય ભૂવા જ પડી રહ્યા છે અને તે પણ જોડીમાં. ત્રણ દિવસ અગાઉ જ અકોટા થી મુંજમહુડા રોડ પર એક સાથે 5 ભૂવાઓ પડ્યા હતા અને હવે અલકાપુરી વિસ્તારના બી.પી.સી. રોડ પર થોડા અંતરમાં જ એક સાથે 2 મહાકાય ભૂવા પડ્યા છે. જેમાં ઊર્મિ ચાર રસ્તા પાસે એક વિશાળકાય ભૂવો પડ્યો હતો અને બીજો ભૂવો અલકાપુરી હવેલી નજીક પડ્યો હતો. વડોદરા શહેર પર ભગવાનની કૃપા હોવાથી આ ભૂવાઓને કારણે હજી સુધી કોઈ અકસ્માત થયો નથી. ભૂવાઓને લીધે શહેરના રાજમાર્ગો પર નીકળવાનું નગરજનોનું મુશ્કેલ થઈ ચૂક્યું છે.

શહેર નો દરેક નાગરિક એ વાત સમજવા માંગે છે કે એવી તો કેવી વડોદરા મહાનગરપાલિકાની એન્જિનિયરિંગ ની ટીમ છે જેઓ દ્વારા શહેરના રોડ રસ્તાઓનું ધ્યાન રાખવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટરો આડેધડ બે પંપ રીતે પાઇપલાઇનો નું હોય કે પછી રોડ રસ્તાઓનું કામ કરી રહ્યા છે એ કારણે દરેક વિસ્તારના દરેક રસ્તા ઉપર આ પ્રકારે ભૂવાઓ પડી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ રોડ રસ્તાઓના ખાતમુરતમાં ફોટા પડાવવા માટે પહેલા પહોંચી જાય છે પરંતુ જો તેઓ જ્યારે કામગીરી ચાલતી હોય ત્યારે સુપરવિઝન કરવાની થોડી તજવીજ હાથ ધરે તો નગરજનોએ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

વડોદરા શહેરમાં ભૂવાઓ એ પોતાની સદી પુરી દીધી છે છતાંય હજી સુધી તંત્રનું, અધિકારીઓનું અને નગર સેવકોનું પેટનું પાણી પણ હલતું નથી. અને આ લોકોને થોડી શરમ પણ નથી આવતી કેમકે ભુવાઓ નાં સમારકામમાં તેમના ઘરના પૈસા જતા નથી. અને જે પ્રકારે વડોદરા શહેરમાં પૂર બાદ જન આક્રોશ જોવા મળી રહ્યો છે તેવો આક્રોશ ભૂવાઓને લીધે પણ જોવા મળે તો નવાઈ નહીં.

Most Popular

To Top