ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ કાર, એરબેગ ન હોત તો ખેલાત લોહીની હોળી
વાઘોડિયા રોડ પર પલટી ખાયેલી કારનો અકસ્માત લાલબત્તી સમાન



(પ્રતિનિધિ), વડોદરા. તા.17
ઝડપનો આનંદ માણી લેતા પહેલા, ઘરે તમારી રાહ જોતા પરિવારનો ચહેરો યાદ કરી લેજો. વડોદરાના વ્યસ્ત ગણાતા વાઘોડિયા રોડ પર આજે સર્જાયેલો અકસ્માત આ વાતની યાદ અપાવી ગયો છે. ઋષિપાર્ક ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. સદનશીબે એરબેગના રક્ષણ કવચને કારણે જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટના દરેક વાહનચાલક માટે મોટી ચેતવણી છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કારની ગતિ એટલી વધારે હતી કે ચાલકને બ્રેક મારવાનો સમય જ ન મળ્યો. કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ. એરબેગ્સ ખુલી જતાં ડ્રાઈવરનો જીવ તો બચી ગયો, પણ સવાલ એ છે કે શું આપણે હંમેશા આટલા નસીબદાર હોઈશું ? આ અકસ્માત આપણને શીખવે છે કે રસ્તા પર માત્ર આપણી જ નહીં, પણ બીજાની સુરક્ષા પણ આપણા હાથમાં છે. શહેરી વિસ્તારમાં નિર્ધારિત સ્પીડથી વધુ ઝડપે વાહન ચલાવવું એ અકસ્માતને સીધું નિમંત્રણ છે. આ ઘટનામાં એરબેગ ચાલક માટે જીવનદાન સાબિત થઈ. સુરક્ષા ફીચર્સ ધરાવતા વાહનો અને સીટબેલ્ટનો ઉપયોગ અનિવાર્ય છે. પલક ઝપકતા જ સ્થિતિ બદલાઈ શકે છે, અકસ્માત બાદ સ્થાનિક લોકોએ જે રીતે એકત્ર થઈને કાર સીધી કરવામાં અને ચાલકને બહાર કાઢવામાં મદદ કરી, તે સરાહનીય છે. અકસ્માતને કારણે થોડીવાર ટ્રાફિક જામ થયો હતો, પરંતુ આ ઘટનાએ લોકોમાં ગતિ મર્યાદા પ્રત્યે ચર્ચાઓ જગાવી છે. તમારી ઝડપ તમારા પરિવાર માટે જોખમ બની શકે છે.