Vadodara

વડોદરા શહેરમાં રફતારના રાક્ષસ બેફામ : નશામાં ધૂત કાર ચાલકે બુલેટ ચાલકને ઉડાવ્યો

કારમાંથી વિદેશી શરાબના કવોટરીયા મળી આવ્યા :

બુલેટ ચાલકની હાલત ગંભીર, શ્રી હરિ ટાઉનશીપ પાસેનો બમ્પર નહિ દેખાતો હોવાના આક્ષેપ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.11

વડોદરા:: શહેરમાં અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે. ત્યારે શહેરમાં ફરી એક વખત નશામાં ધૂત થઈને વાહન હંકારવાથી અકસ્માત સર્જાયો હતો. આજવા રોડ શ્રીહરિ ટાઉનશીપ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના બની હતી. કાર ચાલકે બુલેટ પર સવાર યુવકને ફંગોળતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પીસીઆર ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માત સર્જનારની અટકાયત કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં ફરી એક વખત ડ્રીંક એન્ડ ડ્રાઇવિંગના બનાવે માથું ઊંચું કર્યું છે. અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો,ત્યાંતો ફરી એક અકસ્માતની ઘટના બની હતી. આજવારોડ શ્રીહરિ ટાઉનશીપ પાસે નશામાં ધૂત કારના ચાલકે બુલેટ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બુલેટ સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા તપાસ કરતા કારચાલક ચિક્કાર પીધેલી હાલતમાં જણાઈ આવ્યો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે કારને આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. તેના પરથી જ અંદાજો લગાવી શકાય કે કાર કેટલી સ્પીડમાં હશે. જ્યારે બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. શ્રી હરિ ટાઉનશીપ માં રહેતા યશ પરમારે જણાવ્યું હતું કે અહીંયા જે બમ્પર બનાવવામાં આવ્યો છે. તેની ઉપર પટ્ટા જ લગાવવામાં આવ્યા નથી. જેથી કોઈને અહીંયા બમ્પર છે તે દેખાતું જ નથી, સાથે જ આગળજ દારૂનો વેપાર થાય છે. ત્યાંથી દારૂનો નશો કરીને લોકો અહીંયા એક્સિડન્ટ કરી રહ્યા છે. આ રોડ ઉપર અનેકવાર એકસીડન્ટ થાય છે. આની પહેલા પણ એક અકસ્માત સર્જાયો હતો. એમાં એક યુવકનું મરણ થયું હતું. અત્યારે જે અકસ્માત થયો એમાં પણ છોકરો સિરિયસ છે. કારમાંથી શરાબના ચારથી પાંચ કવોટર પણ મળી આવ્યા છે. પ્રશાસને આ બાબતનું ધ્યાન આપવું પડે પોલીસ પ્રશાસનને પણ જણાવીશ કે આ ગંભીર બાબત છે.

આ અકસ્માતમાં બુલેટના ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. કમરના ભાગે ઇજા પહોંચી છે. આઈસીયુમાં છે, ગાડીની હાલત પરથી કહી શકાય કે કાર ચાલક કેટલી સ્પીડમાં હશે, ચાલક ફૂલ નશાની હાલતમાં હતો ઉભો રહેવાના પણ તેને હોશ ન હતા. જોકે બનાવને પગલે પોલીસ પીસીઆર ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કારચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top