Vadodara

વડોદરા શહેરમાં ફાયર સેફ્ટીની શોચનીય અપૂરતી વ્યવસ્થાઓ અંગે વીએમસી ની ગંભીર નિષ્ફળતા સામે કોંગ્રેસ પ્રવક્તાનો આકરો વિરોધ.

તારીખ: 14 એપ્રિલ, 2025

માનનીય વડોદરા જિલ્લા કલેક્ટર,

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ, શહેરના લાખો નાગરિકોની સુરક્ષા અને સલામતીના મુદ્દે સદાય પ્રતિબદ્ધ રહી છે. આજે, અમે શહેરમાં ફાયર સેફ્ટીની શરમજનક અને નિંદનીય અપૂરતી વ્યવસ્થાઓ અંગે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને નબળા વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરીએ છીએ. વડોદરા, જે ગુજરાતનું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે, તેમાં ફાયર સેફ્ટીના નામે માત્ર ખોટા વાયદાઓ અને નિષ્ફળતાનો ઢોંગ જોવા મળે છે. રાજ્ય સરકારની નબળી નીતિઓ અને ઉદાસીન વલણે નાગરિકોના જીવન અને સંપત્તિને ગંભીર જોખમમાં મૂક્યા છે, જે વર્તમાન શાસનની નૈતિક અને વહીવટી નિષ્ફળતાનું જીવંત પ્રમાણ છે.
મહાનગરપાલિકાની શરમજનક નિષ્ફળતાઓ અને આંકડાકીય ચિત્ર:
૧) અપૂરતા ફાયર ફાઇટિંગ સાધનો:
રાજ્ય સરકારની બેજવાબદાર નીતિઓએ વડોદરાના ફાયર સ્ટેશનોને આધુનિક ફાયર ફાઇટિંગ સાધનોથી વંચિત રાખ્યા છે. ઉપલબ્ધ માહિતી મુજબ, શહેરના 70%થી વધુ ફાયર સ્ટેશનોમાં આધુનિક સાધનોનો અભાવ છે, અને અસ્તિત્વમાં રહેલા સાધનોમાંથી 40% જૂના અને બિનઉપયોગી હોવાનું જણાયું છે. આવી ઘોર બેદરકારી એ નાગરિકોના જીવન સાથે જાણીજોઈને ખેલ રમવા બરાબર છે. જેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે.

૨) અપૂરતા ફાયર સ્ટેશનો:
વડોદરા શહેરની વસ્તી 20 લાખથી વધુ છે, આટલા વિશાળ શહેર માટે માત્ર 8 ફાયર સ્ટેશનોનું અસ્તિત્વ એ સરકારની શરમજનક નિષ્ક્રિયતાનું પ્રમાણ છે. રાષ્ટ્રીય ફાયર સેફ્ટી ધોરણો અનુસાર, દરેક 100,000ની વસ્તી માટે ઓછામાં ઓછું એક ફાયર સ્ટેશન હોવું જોઈએ, એટલે કે વડોદરાને ઓછામાં ઓછા 18થી વધારે ફાયર સ્ટેશનોની જરૂર છે. આ ખામીએ શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને ઔદ્યોગિક અને ગીચ રહેણાંક વિસ્તારોને આગની આપત્તિ સામે નિ:સહાય બનાવ્યા છે.

૩) અપૂરતા વાહનો:
શહેરના ફાયર બ્રિગેડ વિભાગ પાસે હાલ માત્ર 27 વાહનો ઉપલબ્ધ છે, જેમાંથી 30%થી વધુ વાહનો 10 વર્ષથી વધુ જૂના અને જર્જરિત હાલતમાં છે. રાષ્ટ્રીય ધોરણો અનુસાર, દરેક ફાયર સ્ટેશન પાસે ઓછામાં ઓછા 3 આધુનિક ફાયર ટેન્ડર્સ અને 1 રેસ્ક્યૂ વાહન હોવું જોઈએ, એટલે કે વડોદરાને ઓછામાં ઓછા 50 ફાયર વાહનોની જરૂર છે. સરકારની આ બેદરકારીએ આગની ઘટનાઓ દરમિયાન તાત્કાલિક પ્રતિસાદની ક્ષમતાને નબળી પાડી છે, જેનું ખામિયાજું નાગરિકો ભોગવશે.

૪) અપૂરતા માનવબળ:
વડોદરા શહેરના ફાયર વિભાગમાં હાલ માત્ર 370 ફાયર ફાઇટર્સ કાર્યરત છે, એટલે કે વડોદરાને ઓછામાં ઓછા 670 ફાયર ફાઇટર્સની જરૂર છે. આવી ગંભીર ઉણપ એ સરકારની નાગરિકોની સુરક્ષા પ્રત્યેની ઘોર બેવકૂફી દર્શાવે છે, જે આગની ઘટનાઓમાં અસરકારક કામગીરીને અવરોધે છે.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આ શરમજનક પરિસ્થિતિનો સખત વિરોધ કરે છે. રાજ્ય સરકારની નબળી નીતિઓ અને બેજવાબદાર વલણે શહેરના નાગરિકોને આગના જોખમ સામે નિ:સહાય બનાવ્યા છે. અમે નીચે મુજબની માંગણીઓ તાત્કાલિક અમલમાં મૂકવાની જોરદાર હિમાયત કરીએ છીએ:
૧) શહેરના તમામ ફાયર સ્ટેશનોમાં આધુનિક ફાયર ફાઇટિંગ સાધનોની 100% ઉપલબ્ધતા 6 મહિનામાં સુનિશ્ચિત કરવામાં આવે.
૨) શહેરની વસ્તી અને વિસ્તારને અનુરૂપ ઓછામાં ઓછા 20 નવા ફાયર સ્ટેશનોની સ્થાપના બે વર્ષની અંદર કરવામાં આવે.
૩) ઓછામાં ઓછા 50 વાહનોની ખરીદી માટે તાત્કાલિક બજેટ ફાળવવામાં આવે.
૪) 300 નવા પ્રશિક્ષિત ફાયર ફાઇટર્સની ભરતી 2025ના અંત સુધીમાં પગલાં લેવામાં આવે.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે આ ગંભીર મુદ્દે સરકારની ઢીલાશ હવે સહન નહીં કરવામાં આવે. જો આ માંગણીઓ પર તાત્કાલિક અને નક્કર પગલાં નહીં લેવાય, તો અમે નાગરિકોના હિતમાં શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવા બાધ્ય થઈશું. નાગરિકોની સુરક્ષા સાથેનો આ ખતરનાક ખેલ બંધ થવો જોઈએ, અને જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.

આભાર સહ,
વિશાલ પટેલ
પ્રવક્તા,
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ

Most Popular

To Top