( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરા શહેરમાં ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સવારથી જ શહેરના માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા ભાંડવાડા મંગલેશ્વર, ધૂળધોયા વાડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. થોડા દિવસો પૂર્વે જ શહેરના પાણીગેટ અને માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં વિજિલન્સ દ્વારા મોટી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં 1236 વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 4 મા ગેરરીતિ અને 43 વીજ જોડાણો માંથી 55 લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ હતી.

ત્યારે, બુધવારે સવારે ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વિસ્તાર ભાંડવાડા, ધૂળધોયા વાડ, મંગલેશ્વર સહિતના વિસ્તારમાં વીજ કંપનીની ટીમો દ્વારા વિજિલન્સ સાથે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના કારણે વીજ ચોરોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. હાલ આ કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ સઘળી હકીકત સામે આવે તેમ છે. જોકે આ કાર્યવાહીમાં મોટી વીજ ચોરી ઝડપાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.