નવાયાર્ડ, ટીપી13 અને ફતેગંજના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનાં વેચાણનો પર્દાફાશ..
વડોદરા શહેરમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતો દેશી દારૂના વેચાણનાં વિડીયો સામે આવ્યા છે. ફતેગંજ પોલીસ સ્ટેશન હદવિસ્તાર નવાયાર્ડ, ટીપી13 અને ફતેગંજ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય નાગરિકને પણ ખબર હોય છે કે દેશી દારૂ ક્યાં વેચાય છે તો શું ફતેગંજ પોલીસ સ્ટેશન ના અધિકારીઓને આ બાબતની જાણ નહીં હોય. આ પ્રકારે વડોદરા શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા કરે છે.
દારૂ બંધીનો ઢોંગ કરતી ગુજરાત સરકાર ફક્ત કાગળ ઉપર બતાવવા માટે દારૂ ભરેલી ગાડીઓ પકડે છે તેવું જણાય આવે છે. વડોદરા શહેર પોલીસ હત્યાના ગુનેગારોને ગણતરીના કલાકોમાં પકડી પાડે છે પરંતુ દારૂનો ધંધો કરતા ઇસમો નજરમાં નથી આવતા તેની પાછળનું કારણ છે હપ્તાખોરી. જો પોલીસ વિભાગ પ્રમાણિકતાથી દારૂબંધીનાં કાયદાનું પાલન કરે તો વડોદરા શહેર કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ ઈસમ દારૂનો ધંધો કરતા પહેલા ૧૦ વાર વિચાર કરશે. અને જો આવું થાય તો સાચેમાં ગુજરાતમાં દારૂબંધી છે તેવું કહી શકાશે.