શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા બસને પ્રસ્થાન કરાવાઈ :
નવી શરૂ કરવામાં આવેલી બસની પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે કરવામાં આવનાર છે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.4
વડોદરા શહેરમાંથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે આજે પ્રથમ વોલ્વો બસને એસટી ડેપો ખાતેથી પ્રસ્થાન કરાવાઈ હતી. પ્રથમ બસમાં 39 મુસાફરો પ્રયાગરાજ જશે. મેયર,ધારાસભ્યો, ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવાયો હતો.

વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે પ્રથમ વોલ્વો બસનું એસટી ડેપો ખાતેથી પ્રસ્થાન થયું હતું. હર હર મહાદેવ ના નાદ સાથે શરુઆત કરાઈ હતી. વોલ્વો બસમાં અગાઉ થી ઓનલાઇન બુકીંગ શરૂ થયું હતું. એક નાઈટ શિવપુરી, એક નાઈટ પ્રયાગરાજમાં હોલ્ટ કરશે. પ્રથમ બસમાં 39 મુસાફરો પ્રયાગરાજ જશે. બસમાં એક સુપરવાઈઝર રાખવામાં આવ્યા છે. વડોદરાથી મહા કુંભનું પેકેજ રૂપિયા 8,200 નક્કી કરાયું છે. જેમાં તમામ વયવસ્થા એસ.ટી.વિભાગ દ્વારા કરવામાં આવશે. મુસાફરોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બસ દરરોજ સવારે 6 વાગ્યે સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડથી પ્રસ્થાન થશે.


આજે પ્રથમ બસને શહેર પ્રમુખ વિજય શાહે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સમગ્ર દેશભરમાંથી ભક્તો આવે છે. ત્યારે ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા પણ હવે વડોદરાથી પણ વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા થી પ્રસ્થાન થનાર બસના સમયપત્રક મુજબ દિવસ એક બસ સવારે 6:00 કલાકે વડોદરા બસ સ્ટેન્ડ થી પ્રસ્થાન થશે. જ્યારે સાંજે 8:00 કલાકે આ બસ શિવપુરી એમપી પહોંચશે. દિવસ બે, સવારે 6:00 કલાકે શિવપુરી એમપીથી પ્રસ્થાન થશે અને સાંજે 6:00 કલાકે પ્રયાગરાજ આગમન થશે. દિવસ બેના આગમનથી દિવસ ત્રણ ના પ્રસ્થાન સુધી પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આરક્ષિત પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. દિવસ ત્રણ બપોરે 1:00 કલાકે પ્રયાગરાજ થી પ્રસ્થાન અને રાત્રે 12:00 કલાકે બસ શિવપુરી એમપી પહોંચશે. દિવસ 4 સવારે 6:00 કલાકે શિવપુરી એમપીથી પ્રસ્થાન અને સાંજે 9 કલાકે વડોદરા પરત ફરશે. વડોદરા થી ઉપડનાર વોલ્વો બસ નું ભાડું 8,200 નક્કી કરવામાં આવ્યું છે.
