શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા વહીવટ તંત્રને આવેદનપત્ર પાઠવાયું
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. શહેરમાં પૂરની પરિસ્થિતિને સારી રીતે સમજી યોગ્ય કાર્યવાહી કરવા માટે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા વહીવટ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વડોદરા શહેરનો વિસ્તાર સતત વિસ્તરી રહ્યો છે. શહેરની આજુબાજુના ગામોમાં, ખાસ કરીને સીસવા, સોખડા અને આજોડ જેવા વિસ્તારોમાં પૂરનું જોખમ વધુ છે. સીસવા ગામનું તળાવ ફાટતા પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાઈ શકે છે, જે શહેરના વિસ્તારોમાં પણ અસર પોહચાડી શકે છે. તેથી શહેર કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ-અલગ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, જેથી પૂર આવવાના સંજોગો ઊભા ના થાય.
શહેરમાં પૂર રોકવા માટે ભૂખી કાંસને ડાઈવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે શહેર કોંગ્રેસ અનુસાર ખોટું પગલું છે. તેમણે દાવો કર્યો કે ભૂખી કાંસને ડાઈવર્ટ કરવાથી નવા વિસ્તારોમાં પાણી પ્રવેશે, જેના કારણે વધુ નુકસાન થવાની સંભાવના છે. કોંગ્રેસનો આરોપ છે કે આ નિર્ણયને કારણે પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. ભૂખી કાંસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાના બદલે તેને ડાઈવર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી.
પૂરની સમસ્યાનો વ્યાપક અને ટેકનિકલ અભ્યાસ કરવા માટે, શહેર કોંગ્રેસે જાણીતી ટેકનિકલ વ્યક્તિઓની એક સમિતિ બનાવવાની માગ કરી છે. સાથે જ જિલ્લા કલેક્ટર અને પાલિકા વિભાગની સંયુક્ત કમિટી રચવાની પણ માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસે ચેતવણી આપી છે કે, જ્યાં સુધી કમિટી પૂરી રીતે વિશ્લેષણ કરીને યોગ્ય નિર્ણય ના લે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવી નહિ. શહેરના નાગરિકોના હિતમાં જ યોગ્ય આયોજન થવું જોઈએ, જેથી વડોદરા શહેરને ભવિષ્યમાં પૂરની પરિસ્થિતિમાંથી સુરક્ષિત રાખી શકાય.
