નાગરિકોને આવાગમનમાં સરળતા માટે અલકાપુરી અંડર પાસના સ્થાને ઓવર બ્રીજ બનાવાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જાહેરાત
- વડોદરા સહિત રાજ્યના ૧૦ શહેરોના વાઇબ્રન્ટ વિકાસનું આયોજન કર્યું છે
- વડોદરાને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું આયોજિત વિકાસનું મોડેલ બનાવવામાં આવશે
-પ્રધાનમંત્રીશ્રીએ શહેરીકરણને આફતને બદલે વિકાસનો અવસર બનાવતા શીખવ્યું છે - રાજ્યના શહેરોને લવેબાલ અને લીવેબલ બનવાવા ના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગર પાલિકા આયોજિત નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવાના આયોજનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકા આયોજિત વિકાસ ઉત્સવમાં રૂ.૬૧૬.૫૪ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તકતી અનાવરણ દ્વારા કર્યા હતા. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં આ પ્રસંગે પાણી પુરવઠા, શેરી દીવાબત્તી, આવાસ નિર્માણ, વરસાદી અને શહેરી ગટર વ્યવસ્થા, રસ્તા, પુલો, ઘન કચરાના વ્યવસ્થાપનના કામોની ભેટ નગરજનોને મળી હતી. તેમણે સ્વચ્છતા અને અન્ય કામો માટેના નવા વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડોદરાને વિકાસની ભૂખ જાગી છે. તાજેતરમાં જ વડોદરાએ દેશના પ્રધાનમંત્રીશ્રી અને સ્પેનના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાએ વિકાસની નવી ઊંચાઈની કરેલી અનુભૂતિને યાદ કરતા તેમણે કહ્યું કે વડોદરા વિશ્વના વિકાસ નકશામાં સ્થાન પામી રહ્યું છે. વિશ્વસ્તરની માળખાકીય સુવિધા ધરાવતા રાજ્યના દસ નગરોના નિર્માણમાં વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ સમયે શહેરી વિકાસનું વાર્ષિક બજેટ માંડ રૂ.૭૫૦ કરોડનું રહેતું. તેની સામે આ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં રૂ.૨૧૯૧૬ કરોડની જોગવાઈ શહેરી વિકાસ માટે કરી છે. ક્યારેક રાજ્યની નગર પાલિકાઓમાં વર્ષે રૂ. ૫ કે ૧૦ લાખના વિકાસકામો થાય તો આનંદ થઈ જતો. આજે એક દિવસમાં કરોડોના વિકાસ કામો થઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ આઉટ ગ્રોથ વિસ્તારોમાં વિકાસ માટે વડોદરાને રૂ.૬૮ કરોડ અને વડોદરા મહાનગર પાલિકાને શહેરી વિકાસ માટે રૂ.૭૫૬ કરોડની ફાળવણી કરી છે. વડોદરાના વિકાસ માટે ભંડોળ ફાળવણીમાં કોઈ કમી નહી રખાય એવો સંકેત તેમણે આપ્યો હતો.
ગુજરાતમાં શહેરીકરણ એ આફત નથી પરંતુ વિકાસનો આશીર્વાદ છે એવા પ્રધાનમંત્રીશ્રીના વિચારને આધારે રાજ્યના શહેરોને લવેબાલ અને લીવેબલ બનવાવા ના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે, તેવું પણ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની પરિકલ્પના સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે, વિકસિત વડોદરા દ્વારા તેમના સંકલ્પમાં વડોદરાના યોગદાન માટે તત્પર બનવા તેમણે આહવાન કર્યું હતું. રૂ.૧ ની સામે સવા રૂપિયાના વિકાસનું ધ્યેય રાખવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો તેમજ આવાસ સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડોદરા વધુ સ્વચ્છ જણાયું છે. વડોદરાએ સ્વચ્છતાને સ્વભાવ બનાવ્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. વડોદરાને આવું જ સ્વચ્છ રાખીએ કારણ કે સ્વચ્છતા ના સંસ્કાર વારસામાં મળ્યા છે. તેમણે સ્વચ્છ વડોદરામાં લોકોને યોગદાની બનવા અનુરોધ કર્યો હતો..
વડોદરાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના જતનની નેમ વ્યક્ત કરતા મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લે જણાવ્યું કે, આ સરકાર નિરંતર વિકાસને વરેલી છે. વડોદરામાં દર ત્રણ ચાર મહિને વિકાસનો ઉત્સવ ઉજવાય છે અને મુખ્યમંત્રી તેમાં ઉપસ્થિત રહીને સહુને પ્રોત્સાહિત કરે છે. રાજ્ય સરકારના પીઠબળ થી રાજ્યના વિકાસમાં વડોદરા મહાનગર પાલિકા ના યોગદાન અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવીઓ પ્રદાન કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ ડો.હેમાંગ જોષી, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, કેયુર રોકડીયા, ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ, ડે,મેયર ચિરાગ બારોટ તથા મનપાના પદાધિકારીઓ,નગર સેવકો, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ અને પક્ષ પદાધિકારીઓ,મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સહિત અધિકારીઓ, લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.