Vadodara

વડોદરા શહેરના કુબેર ભવનના ચોથા માળે આકસ્મિક આગ લાગી

કચેરી સમય બાદ આગ ફાટી નીકળતા જાનહાનિ ટળી
ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી.
વડોદરા: રાજ્ય સરકારના સૌથી કમાતા દીકરા મનાતા મહેસુલ વિભાગ મને જીએસટીની કચેરીઓ કાર્યરત છે તે કુબેર ભવનમાં આજે સમી સાંજે અગમ્ય કારણોસર વિકરાળ આગ ફાટી નીકળી હતી.


કુબેર ભવન ના ચોથા માળે ધુમાડાના ગોટેગોટા વચ્ચે લબકારા મારતી આગ દેખાતા જ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. બચાવ સાધનો સાથે દોડી આવેલા જવાનોએ વ્યાપક જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઘટનાના કારણે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે કચેરીઓના કોઈ અધિકારી કે કર્મચારી ફરકયા પણ ન હતા.

રહસ્યમય સંજોગોમાં લાગેલી આગ અંગે ફાયર બ્રિગેડના જવાને જણાવ્યું હતું કે લોબીમાં વ્યાપક પ્રમાણમાં કચરો પડ્યો હોવાથી આગ જોવા મળી હતી આગ વધુ વકરે તે પહેલા અમે કાબુમાં લીધી હતી .


અત્રે ઉલ્લેખનય છે કે કુબેર ભુવનની મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં વર્ષો સુધી ફાયર સિસ્ટમનો અભાવ હતો. લાંબા અરસા બાદ પાલિકા તંત્રે સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની નોટિસો ફટકાર્યા બાદ કુબેર ભવનમાં પણ સાધનો લગાવ્યા હતા જોકે આ સાધનો આજે કામ લાગ્યા કે નહીં તે બાબતે એક પણ અધિકારી હરફ ઉચ્ચારતો નથી. લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલા સાધનો તદ્દન નિષ્ક્રિય હાલતમાં બેઝમેન્ટમાં જોવા મળ્યા હતા તેને કાર્યરત કરવા કોઈ જ હાજર ન હોવાથી લાગેલી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડને બોલાવવી પડી હતી

લોક ટોળામાં એવી ચર્ચા સાંભળવા મળી હતી કે આગની ઘટના દિવસ દરમિયાન બની હોત તો સેંકડો નિર્દોષ નાગરિકોને હેરાન પરેશાન થવાનો અથવા જાનહાનિનો ભોગ બનવાનો વારો આવ્યો હોત તેવો વ્યાપક આક્રોશ ઠાલવ્યો હતો.

Most Popular

To Top