ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુસીબતનો સામનો કરવો પડે છે
વડોદરામાં જે સમસ્યાઓ લોકો માટે હવે ત્રાસ અને મુશિબત બની છે, તેમાથી એક છે ‘ટ્રાફિકજામ’ની સમસ્યા. પીક અવર્સમાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યાને લીધે લાખો લોકો રોજ હેરાન થઈ રહ્યા છે. ખાડાવાળા રસ્તા, અપૂરતી સ્ટ્રીટ લાઇટિંગ, રોડ-રસ્તાઓ અને રાહદારીઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાર્કિંગ સુવિધાનો અભાવ કારણભૂત છે, રસ્તાઓ ઉપર દબાણો, ઓવર બ્રિજની ખોટી ડિઝાઈનના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે. પાંચ કિ.મી.નો અટલ બ્રિજ, ગોત્રી હરિનગર ઓવર બ્રિજ, લાલબાગ ઓવર બ્રિજ ખોટી ડિઝાઈનના નમૂના છે. ઓવર બ્રિજ બન્યા બાદ ટ્રાફિક સમસ્યા હળવી બનવી જોઈએ, પરંતુ તેના બદલે અગાઉ કરતાં અનેક ગણી વધી ગઇ છે. શાસ્ત્રી બ્રિજ પાસે રોજ સાંજે પીક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે.
વડોદરામાં સવારે થી બપોરે અને સાંજે થી રાતના દરમિયાન શહેરમાં ટ્રક, ટેન્કર, ડમ્પર મીક્સર, અર્થ મૂવર લક્ઝરી બસો, બુલડોઝરો જેવા હેવી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતાં શહેરના માર્ગો ઉપર દોડતા નજરે પડે છે. હેવી ટ્રાફિકમાં પણ આવા હેવી વાહનોના ડ્રાઈવરો ફૂલ સ્પીડમાં વાહનો દોડાવીને અકસ્માતો કરી રહ્યા છે.
માત્ર શહેરો જ નહીં પરંતુ હાઇવે પર પણ અનેકવાર ટ્રાફિકજામોના દ્રશ્યો સર્જાય છે મકરપુરા અને જામવા બ્રિજ પર દર થોડા દિવસના રાત્રે ટ્રાફિકની લાંબી કતાર જોવા મળે છે જેના કારણે અનેક વાર એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવા પણ આ ટ્રાફિકમાં અટવાઈ જાય છે.