સરદાર ભુવનના ખાંચામાં ઓટલા તોડી જવાબદારીઓ નિભાવી હવે જાણે નવા બજારમાં દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહી હોય તેમ લાગે છે : વિજય પવાર
રેસીડેન્ટ પરમિશન મેળવી કોમર્શિયલ બાંધકામ કરનારા ના સીલ કેવી રીતે ખૂલ્યા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.7
લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ વડોદરા શહેર ભાજપના એક હોદ્દેદારે બંગાળની બહેરામપુર સીટ પરથી વિજેતા થયેલા શહેરના યુસુફ પઠાણ પર સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી. જે બાદ હવે પૂર્વ કાઉન્સિલર પણ મેદાનમાં આવ્યા છે. જોકે તેમણે પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીની સોશિયલ મીડિયામાં ભડાશ કાઢી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર ફરી એકવાર જાગ્યું હતું. તક્ષશિલા કાંડ બાદ પાલિકાએ તે વખતે કરેલી કામગીરી ફરી શરૂ કરી છે. જોકે ક્યાંક ને ક્યાંક પાલિકા દ્વારા કરવામાં આવેલી ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી મામલે સીલ મારવાની કાર્યવાહી સામે લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષના પૂર્વ કાઉન્સિલરે સોશિયલ મીડિયામાં પાલિકાને આડેહાથ લીધી છે.
વડોદરા શહેર ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે સોશિયલ મીડિયામાં ફોટો સાથે કરેલી એક પોસ્ટમાં જણાવ્યું છે કે “શરમ આવી જોઈએ એક નિર્દોષનું અપમૃત્યુ પછી જાગેલી પાલિકા સરદાર ભવનના ખાચામાં ઓટલા તોડી જવાબદારીઓ નિભાવી હવે જાણે નવાબજારમાં દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહી હોય તેમ લાગે છે પાર્કિંગની કોઈપણ વ્યવસ્થા કરી ના શક્યા, ઓટલા તોડી શું ફાયદો, રેસીડન્ટ પરમિશન મેળવી કોમર્શિયલ બાંધકામ કરનારાના સીલ કેવી રીતે ખુલ્યા, પાર્કિંગ માટે શું વ્યવસ્થા થઈ ? ગેરકાયદેસર બાંધકામ અટકાવવાની જવાબદારીઓ મહાનગરપાલિકાની છે. પ્રજાહિતમાં કામ થઈ શકે છે ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે ? તેમ જણાવ્યું છે. ટૂંકમાં પૂર્વ કાઉન્સિલર વિજય પવારે પાલિકાની પોલ ઉઘાડી પાડી હતી.