વડોદરા તારીખ 2
ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફ્રુટના હોલસેલના વેપારીએ વ્યાજખોરની વારંવારની પઠાણી ઉઘરાણી તથા ધમકીથી કંટાળીને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. વ્યાજે લીધેલા 47 લાખ સામે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપી રહ્યો હોવાનો પણ વેપારીએ આક્ષેપ કર્યો છે.
વડોદરા શહેરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે ઘણા લોકોએ આત્મહત્યા કરી લીધી હતી? તો કેટલાક લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના કિસ્સા અગાઉ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે ફરી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે એક ફૂટના વેપારીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે હોલસેલમાં ફ્રુટના વેપાર કરતા નરેશભાઈને વર્ષ 2012માં રૂપિયાની જરૂરિયાત ઊભી થતા ઊંચા વ્યાજ દરે નાના ધીરધારનો ગેરકાયદે ધંધો કરતા સંતોષ ભાવસાર નામના વ્યાજખોર પાસેથી વર્ષ 2012 થી 2018 સુધીમાં રૂપિયા 47 લાખ વ્યાજે લીધા હતા. જેનું ટુકડે ટુકડે વ્યાજ ચૂકવીને અત્યાર સુધીમાં સંતોષ ભાવસાર વ્યાજખોરને બે થી અઢી કરોડ રૂપિયા તો ચૂકવી દેવામાં આવ્યા છે. તેમ છતાં આ વ્યાજખોર દ્વારા વેપારી પાસે વારંવાર બાકી રૂપિયા હોવાનું કહીને ઉઘરાણી કરવામાં આવી રહી છે. દરમિયાન 28 નવેમ્બરના રોજ વ્યાજખોર વેપારીની દુકાન પર ગયો હતો અને 47 લાખ રૂપિયાની માંગણી કરવા લાગ્યો હતો. જો તું રૂપિયા નહીં આપે તો મારી નામચીન લોકો સાથે ઉઠક બેઠક છે તેમ કહી તથા તેમના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવા લાગ્યો હતો. વેપારીએ જણાવ્યું હતું કે હાલમાં મારી પાસે તમારા રૂપિયા અપાય તેવી કોઈ પરિસ્થિતિ નથી ત્યારે વ્યાજખોરે તેમની ફ્રુટની દુકાન કે જેના પર તેમનું તથા પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે તેની ચાવી આપી દેવા માટે દબાણ કર્યું હતું. વેપારીએ કહ્યું હતું કે તમે આ રીતના પઠાણી ઉઘરાણી કરશો તો મારે આત્મહત્યા કરવી પડશે ત્યારે વ્યાજખોરે તારે મળવું હોય તો મરી જા મને મરવાની ધમકી ના આપીશ તેવું કહેતા વેપારીએ તેમની દુકાનમાં જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી દુકાનમાં હાજર તેમના પુત્ર સહિતના કારીગરો તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. નવાપુરા પોલીસ દ્વારા હોસ્પિટલમાંથી વેપારીનું નિવેદન લેવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી ફરિયાદ નહીં નોંધવામાં આવી હોવાનો પણ વેપારીએ આક્ષેપ કર્યો છે.