Vadodara

વડોદરા: વોર્ડ 8માં પીવાના પાણીની સમસ્યા, લોકોનો હાથમાં બેનરો સાથે પાલિકા તંત્ર સામે વિરોધ



શહેરના અનેક વિસ્તારોમાં હજારો પરિવારને પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે

વડોદરા વોર્ડ નં 8 ખોડીયાર સોસાયટીના રહીશોએ પીવાના પાણીની સમસ્યાને લઈ હાથમાં બેનરો સાથે પાલિકા તંત્ર સામે દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું

વડોદરા વોર્ડ નં 8 ખાતે ખોડીયાર સોસાયટીના રહીશોએ પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. સ્થાનિક વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર અને કોર્પોરેટર અને ધારાસભ્ય વોટ માંગવા આવું નહીંના હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે સામે દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઓછા પ્રેસરથી પાણી અને દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદ પાલિકા તંત્રને કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા લોકો રોષે ભરાયા હતા.

શહેરના વોર્ડ નં 8 વિસ્તારમાં આવેલી ખોડીયાર સોસાયટીના રહીશો દ્વારા પીવાના પાણીની સમસ્યાના મુદ્દે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાને લેખિતમાં વારંવાર ફરિયાદ કરવા છતાં પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોએ વડોદરા મહાનગરપાલિકાના તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

ખોડીયાર સોસાયટી અંદાજીત 100 ઘરોમાં પીવાની પાણીની સમસ્યા ચાલી આવી છે. રેસીડેન્સીના રહીશોએ કરેલા આક્ષેપ મુજબ ઓછા પ્રેશરથી ક્યારેક પાણી મળે છે તો ક્યારેક દુર્ગંધ મારતું પાણી આવે છે.
પાલિકા તંત્રને લેખિતમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પાણીની લાઈનમાં હાલ લીકેજના કારણે કામગીરી ચાલતી હોવાથી સમસ્યા ઉદભવી રહી હોવાનું નિવેદન આપી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે, તેમ ખોડીયાર સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે.
પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા બહારથી રૂપિયા આપી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. જેના વિરોધમાં ખોડીયાર સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી નો બહિષ્કાર અને કોર્પોરેટર અને ધારાસભ્ય વોટ માંગવા આવું નહીં ના બેનર લઈ દેખાવ કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top