Vadodara

વડોદરા: વોર્ડ-10 માં ભાજપ સામે બગાવતના સૂર, ‘ઉમેદવાર યોગ્ય નથી’ ના પોસ્ટરો લાગ્યા

સ્થાનિકોમાં ભારે રોષ: અવની સ્ટેમ્પવાળાની પસંદગી સામે વિરોધનો વંટોળ; બેનરો હટાવવા નીતિન દોંગાની ટીમ મેદાને

વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે વડોદરા ભાજપમાં આંતરિક કલેહ સપાટી પર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 10 માં ભાજપ દ્વારા કરવામાં આવેલા ઉમેદવારના સિલેક્શન સામે સ્થાનિક કાર્યકરો અને મતદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે વોર્ડના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ “ઉમેદવાર યોગ્ય નથી” તેવા લખાણ સાથેના પોસ્ટરો લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
મળતી માહિતી મુજબ, વોર્ડ 10 માં ભાજપના ઉમેદવાર તરીકે અવની સ્ટેમ્પવાળાના નામની જાહેરાત થતા જ સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. કાર્યકરોનું કહેવું છે કે પાયાના કાર્યકરોની અવગણના કરીને ઉપરથી નામ થોપી દેવામાં આવ્યું છે. પોસ્ટરોમાં સ્પષ્ટપણે ભાજપની પસંદગી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને આંતરિક જૂથવાદનું પરિણામ માની રહ્યા છે.
પોસ્ટરો લાગ્યા બાદ ભાજપની છબી ખરડાતી બચાવવા માટે હિન્દુવાદી નેતા તરીકે ઓળખાતા નીતિન દોંગા (મામા) અને તેમની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. વહેલી સવારથી જ આ ટીમે વોર્ડમાં ઠેર-ઠેર લાગેલા વિરોધ પ્રદર્શનના બેનરો અને પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, પોસ્ટરો હટાવવા છતાં સ્થાનિક કાર્યકરોનો આક્રોશ શાંત થયો હોય તેવું જણાતું નથી.
વોર્ડ 10 ના કાર્યકરોમાં ચર્ચા છે કે શું ભાજપ પોતાની તાનાશાહી ચલાવી રહી છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાના બદલે માનીતાઓને ટિકિટ આપવાની નીતિ પક્ષને ભારે પડી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે કે પછી નારાજગીનો આ મધપૂડો ચૂંટણીમાં ભાજપને કેટલું નુકસાન પહોંચાડશે.

Most Popular

To Top