Vadodara

વડોદરા : વૃદ્ધ વકીલે પત્નીની છેડતી કરતા અસીલે પતાવી દીધા

પાદરા મંદિરે દર્શન કરી પરત આવતા વકીલ પત્નીની છેડતી કરતા પાઇપથી હુમલો કરી પતાવી દીધા

લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ, હત્યારો ઝડપાયો, પત્નીની પૂછપરછ કરાશે

પ્રતિનિધિ વડોદરા તા.1

પાદરાના વડુ તુળજા માતાના મંદિરે દર્શન કરીને પરત આવતી વેળા કારમાં કલાયન્ટની પત્નીને 74 વર્ષના એડવોકેટ દ્વારા છેડતી કરાઈ હતી. જેમાં કલાયન્ટ તથા એડવોકેટ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ ક્લાયન્ટે સિંધરોટ અમરાપુરા વિસ્તારમાં કાર રોકી નીચે ઉતર્યા બાદ બંને સામસામે મારામારી કરવા લાગ્યા હતા. જેમાં ક્લાયન્ટે પાઇપથી હુમલો કરીને એડવોકેટેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તાલુકા પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી ક્લાયન્ટ ઝડપી પાડ્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગોત્રી વિસ્તારમાં રહેતા નરેશ બાબુભાઇ રાવતનો સિવીલ દાવો કોર્ટમાં ચાલતો હતો. દરમિયાન તેઓએ તેમનો કેસ લડવા માટે એડવોકેટ તરીકે બીબીએના મેમ્બર અને સિનિયર વકીલ એવા વિઠ્ઠલભાઇ પંડિત (ઉવ.74)ને સોંપ્યો હતો. છેલ્લા એક વર્ષથી સમયથી કેસ ચાલી રહ્યો હોય દંપતી એડવોકેટના સંપર્કમાં હતુ. દરમિયાન ગઇ કાલે 31 ઓગષ્ટના રોજ રાત્રીના સમયે દંપતી એડવોકેટ સાથે કારમાં પાદરાના વડુ ખાતે આવેલા તુળજા ભવાની માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દરમિયાન રાત્રીના સમયે ત્યાંથી પરત આવતી વેળા એડવોકેટ દ્વારા નરેશ બાબુની પત્નીની છેડતી કરી હોય નરેશ અને એડવોકેટ વચ્ચે ઝપાઝપી થઇ હતી. દરમિયાન  સિંધરોટ અમરાપુરા વિસ્તારમાં નરેશે તેની કાર રોકી હતી અને સામસામે મારામારી કરવા લાગ્યા હતા. ત્યારે નરેશ રાવતે પાઇપ વડે એડવોકેટના માથામાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેની જાણ તાલુકા પોલીસને થતા તાત્કાલિ ઘટના સ્થળ પર પહોંચીને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. એડવોકેટને મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે જ્યારે તેની પત્નીને પૂછપરછ કરવામાં આવશે.

અગાઉ પણ પત્નીની છેડતી કરી હોવાનો હત્યારા પતિનો આક્ષેપ

એડવોકેટ વિઠ્ઠલ પંડીત છેલ્લા એક વર્ષથી નરેશ રાવતનો કેસ લડી રહ્યા હતા. દરમિયાન અવારનવાર નરેશ રાવત તથા તેની પત્નીએ એડવોકેટને મળવાનું થતું હતું. કોઇ દિવસ પત્ની એકલી પણ તેમને મળવા માટે આવતી હતી. ત્યારે પણ વકીલ દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવતી હતી. જેથી રીસ રાખી વકીલ પતાવી દીધી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top