Vadodara

વડોદરા : વીસીના બંગલે થયેલુ 2 હજારનું નુકસાન, ભરપાઈ કરવા વિદ્યાર્થીઓ પાસે 1-1 રૂપિયો ઉઘરાવ્યો

AGSU આવતીકાલે 2 હજાર રૂ.ના નુકસાનની ભરપાઈ કરશે :

કેસ પરત ખેંચવા માંગણી કરાશે, જો તેમ નહિ થાય તો અગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી ઉચ્ચારી :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.8

એમ.એસ.યુનિવર્સીટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની મેસની ફી મુદ્દે આંદોલનમાં વીસીના બંગલે કરાયેલા વિરોધમાં 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રૂ.2 હજારનું નુકસાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે નજીવા નુકસાનના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલનાર વીસીની શાન ઠેકાણે લાવવા વિદ્યાર્થી સંગઠનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. AGSU દ્વારા દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસે 1-1 રૂપિયો ઉઘરાવ્યો હતો અને આવતીકાલે નુકસાનની ભરપાઈ વીસીને કરશે.

ગુજરાત કોમન યુનિવર્સીટી એકટ લાગુ થયા બાદ વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં વામન વીસીની તાનાશાહી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓનું નહિ સાંભળી માત્ર ખાનગી યુનિવર્સીટીઓને ફાયદો કરાવવા ટેવાયેલા વીસી સામે પ્રબુદ્ધ નાગરિકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા હતા. તેવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફી માં વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને વીસીના બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ વીસી દ્વારા પોતાના બંગલામાં નુકસાન કર્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જેના કારણે વીસી પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. વીસીએ નોંધાવેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ 2 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોય ત્યારે સોમવારે AGSU વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને જયેશ પ્રજાપતિની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીની દરેક ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી રૂપિયા 2 હજાર એકત્ર કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે. સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલો કેસ પરત ખેંચવા માંગણી કરશે અને જો તેમ કરવામાં નહિ નહિ આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ફક્ત 2 હજાર રૂપિયાનું નુકસાન છે. તેના કારણે 200 વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. તે તદ્દન ખોટું છે. વિદ્યાર્થીઓની જે માંગ હતી જે આંદોલન હતું તે વ્યાજબી હતું. યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર જ્યારે 20 હજાર રૂપિયાનું નુકસાન સહન કરી શકતા ન હોય, લાખો રૂપિયાનો પગાર ધરાવતા હોય તો આ વિદ્યાર્થીઓ 24 હજારની રકમ કેવી રીતે એપ્રોચ કરી શકે છે. તો આ કે બે હજાર રૂપિયાનું નુકસાન હતું. તે અમે યુનિવર્સીટીના દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી કોન્ટ્રીબ્યુશન તરીકે ઉઘરાવી રહ્યા છે. કારણકે એ વિદ્યાર્થીઓ સાથે અમારી યુનિવર્સીટીના દરેક વિદ્યાર્થીઓ જોડાયેલા છે. એમના સમર્થનમાં છે. આ 2 હજાર રૂપિયા અમે યુનિવર્સીટીને પરત કરીશું અને માંગ કરીશું કે જે 200 વિદ્યાર્થીઓ પર જે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ પરત ખેંચવામાં આવે. અને જો એમ કરવામાં નહિ આવે તો અમારા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા આગામી આંદોલનની જે રૂપરેખા છે તે નક્કી કરવામા આવશે. અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. : પંકજ જયસ્વાલ, AGSU

ટૂંક સમય પહેલાં વીસી દ્વારા એક ફૂડ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં જે છોકરાઓ ખાય કે ના થાય વર્ષના 24 હજાર રૂપિયા શરૂઆતમાં ફી સાથે ભરવાના રહેશે. જે તદ્દન ખોટી વસ્તુ છે. તો 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે રજૂઆત કરી હતી અને ચીફ વોર્ડનને રજૂઆત કરી હતી. ત્યાં માંગ સંતોષવામાં નહીં આવી તો વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કરતાં વીસીના બંગલે 2000 રૂપિયાનું નુકસાન થયું હતું. માત્ર આ સામાન્ય નુકસાનના કારણે 200 વિદ્યાર્થીઓ સામે એફઆઇઆર કરવામાં આવી છે. જે તદ્દન ખોટી વસ્તુ છે. આ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓના કારણે કરોડોની આવક આ ગવર્મેન્ટને થઈ રહી છે. વીસી પણ એ ગવર્મેન્ટના કર્મચારી છે. ગવર્મેન્ટ એમને લાખો રૂપિયાનો પગાર દર મહિને આપી રહી છે તો શું 2000 રૂપિયાનું નુકસાન આટલું બધું વધારે છે કે જે 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતા મોટું છે. જો એમને એવું લાગતું હોય તો અમે તમામ ફેકલ્ટીની અંદર ગુલ્લક બનાવ્યું છે એ લઈને ફરવાના છે અને તમામ વિદ્યાર્થીઓ પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવવાના છે અને 2000 રૂપિયા કોઈન ભેગા કરી તમે આવતીકાલે યુનિવર્સિટીના વીસીને સુપ્રત કરીશું અને એમને એવું કહેવાના છે કે તમારું નુકસાન થયું છે એ વિદ્યાર્થીઓ દ્વારા જ આ 2000 રૂપિયા ઉઘરાવીને તમને સુપરત કરવામાં આવી રહ્યા છે. અમે ભરપાઈ કરીશું અને પછી કહીશું કે વહેલમાં વહેલી તકે જે વિદ્યાર્થીઓ પર કેસ કર્યો છે એ 2000 ની ભરપાઈ કરી દીધી છે તો 200 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું છે તે કેસ વિડ્રોલ કરો. જો એમ કરવામાં નહિ આવે તો આ ઉગ્ર આંદોલન અમારું ચાલુ જ રહેશે આવતીકાલે શાંતિથી અમે નુકસાની ભરપાઈ કરીશું અને એમને ચીમકી પણ આપીશું અને જે વિદ્યાર્થી નેતાઓ છે. વિદ્યાર્થી માટે જ લડી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે જ આ ઘણા વર્ષોથી અમે એમના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે. આવનારા સમયની અંદર જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે કરતા રહીશું : જયેશ પ્રજાપતિ, AGSU

Most Popular

To Top