વડોદરાની મધ્યસ્થ જેલમાં વીતેલા 24 કલાક દરમિયાન કોબ્રા સાપ બાદ મગરના બચ્ચાંનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરા વન વિભાગના વોલિએન્ટરે વહેલી સવારે પહોંચી આશરે ત્રણ ફૂટના મગરના બચ્ચાનું રેસક્યુ કર્યું હતું.
વડોદરામાં વરસાદી માહોલ ટાણે સરીસૃપ અને મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ગતરોજ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.ત્યારે બીજા દિવસે વહેલી સવારે જેલમાં મગર દેખાતા જેલ અધિકારીઓ દ્વારા બનાવ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.જેથી વન વિભાગના રેસ્ક્યુયર નીતિન પટેલ વહેલી સવારે ચાર કલાકે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે દોડી ગયા હતા.જ્યાં તપાસ કરતા આશરે ત્રણ ફૂટનું મગરનું બચ્ચું જોવા મળ્યું હતું.જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.