848 વીજ જોડાણ ચેકીંગ કરતા 38 કિસ્સામાં વીજ ચોરી અને 27 કિસ્સામાં ગેરરીતિ સામે આવી :
પાણીગેટ, માંડવી, વાડી અને જીઆઈડીસી પેટા વિભાગીય કચેરીઓના તાબા હેઠળના વિસ્તારમાં ચેકીંગ :
( પ્રતિનિધિ )વડોદરા, તા.11
વડોદરા શહેરના પાણીગેટ, માંડવી, વાડી અને જીઆઈડીસી પેટા વિભાગીય કચેરીઓના તાબા હેઠળના વિસ્તારમાં વીજ કંપનીઓ દ્વારા પોલીસ સાથે ઓચિંતું વીજ જોડાણ ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 848 વીજ જોડાણ ચેકીંગ કરતા 38 કીસ્સામાં વીજ ચોરી અને 27 કીસ્સામાં ગેરરીતિ સામે આવી હતી. જોકે આ વખતે પ્રથમ વખત વીજ ચોરો પણ સ્માર્ટ બન્યા હોય લંગર નાખવાની જગ્યાએ વીજ મીટરમાં જ છેડછાડ કરી વીજ ચોરી કરતા હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું.
વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફરી એક વખત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને મધ્ય ગુજરાત વીજ કંપની લી.ની કુલ 31 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં 60 લાખની વીજચોરી ઝડપાઈ હતી. વડોદરા શહેરના પાણીગેટ, માંડવી, વાડી અને જીઆઈડીસી પેટા વિભાગીય કચેરીઓના તાબા હેઠળના વિસ્તારમાં વીજ જોડાણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન કુલ 848 વીજ જોડાણ ચેકીંગ કરતા 38 કીસ્સામાં વીજ ચોરી અને 27 કીસ્સામાં ગેરરીતિ સામે આવી હતી. આ 65 કિસ્સામાં પુરવણી બીલની રકમ આશરે 60 લાખ થઈ હતી. ચેકીંગ દરમ્યાન કુલ 34 પોલીસ અને આર્મીના નિવૃત જવાનોએ વીજ કર્મચારીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતાં. આજે કરાયેલી વીજ ચેકીંગની કાર્યવાહીમાં આ વખતે આવી ચેકિંગ કામગીરીમાં પ્રથમ વખત વીજ ચોરી કરવા માટે લંગર નહીં, પરંતુ વીજ મીટરમાં છેડછાડ કરી વીજ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાણીગેટ વિસ્તારમાં અજબડી મિલ, મદાર મહોલ્લા, શેખ ફરીદ મોહલ્લા, બાવચા વાડ સહિતના વિવિધ વિસ્તારોમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં વીજ ચોરી પકડાઈ હતી. જેઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.