Vadodara

વડોદરા : વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યોને સમય આપો : આક્રોશ, પછી જૂવો

સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું સુતરની આટી પહેરાવી સન્માન કરવા માંગીએ છીએ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીને વિશ્વામિત્રી બચાવો સમિતિએ પત્ર લખ્યો :

વડોદરા શહેરની વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી શૈલેષ સમીને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષને પત્ર લખી જણાવ્યું છે કે વડોદરા શહેરમાં સંપૂર્ણ સત્ય બોલનારા,નગરજનોના જાનમાલની સાચે જ ચિંતા કરનારા ડો.શીતલ મિસ્ત્રી એટલા આપ જ છો. આપે જે કહ્યું કે “વડોદરાના તમામ લોકોએ જો પોતાનો જીવ બચાવવો હોય તો ટ્યુબ, તરાપા વસાવી લેવા જોઈએ” એ વાત બિલકુલ સાચી છે. નગરજનો આગામી વર્ષોમાં પુરથી તણાઈને જીવ ગુમાવે નહિ એટલે ટ્યુબ, તરાપા વસાવે એવી નિવારક ચેતવણીનો માર્મિક ભાવાર્થ ઘણા સમજી શક્યા નથી.

ભલે આપ સીધેસીધું એમ નથી કહી શકતા કે, આપના ભાજપ પક્ષ દ્વારા છેલ્લા ૩૦ વર્ષના શાશને વિશ્વામિત્રી નદીની જમીન અને નદીના નીચાણવાળા કોતરોને બિલ્ડરો સાથે ભ્રષ્ટાચારી મિલીભગત કરીને પુરાણ કરી આપી, પ્રતિબંધિત વિસ્તાર-૧નો ઝોન બદલી આપીને વેચી ખાધા છે. એવી જ રીતે વડોદરા શહેરમાંથી પસાર થતી કુદરતી વરસાદી કાંસની જમીનોમાં બિલ્ડરો સાથે ભ્રષ્ટાચારી ભાગીદારી કરીને પુરાણ કરી આપી, સાંકડી કરી આપી, બંધ ટનલ બનાવી આપી બિલ્ડરો સાથે ભાજપાના પૂર્વ પદાધિકારીઓ પણ ખુબ કમાયા છે. વિશ્વામિત્રી નદીની જમીનો ઉપર દબાણ કરનારા અને નદીના નીચાણવાળા કોતરો પૂરી નાખવામાં કેટલાય ભાજપી આગેવાનોના મોટા બંગલા અને ભાગીદારીવાળી રહેણાંક સ્કીમો બની ગઈ છે. ડૉ.શીતલ મિસ્ત્રી આપે અપ્રત્યક્ષ રીતે પણ પ્રજાને જાણ કરી કે, વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસો ઉપરના દબાણો ભાજપાની સરકાર તોડવાનો નિર્ણય લેવાની નથી અને તેને જ કારણે વડોદરા શહેરમાં કાયમી પુર આવવાની સંભાવના વ્યક્ત કરી, લોકોને સલામતી માટે ટ્યુબ અને તરાપા વસાવી લેવાનું માર્મિક સુચન કરેલું છે. આપનો ટ્યુબ, તરાપા વસાવી લેવાનું માર્મિક સુચનમાં એવું પણ સમજી શકીએ છીએ કે, આપના બે વર્ષના સ્થાયી સમિતિના ચેરમેન પદમાં જ દબાણો થયા નથી પણ ભાજપાના પાછલા ૩૦ વર્ષના શાશનમાં બિલ્ડરો સાથે ભ્રષ્ટાચારી મિલીભગત કરીને કરાયેલા વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસો ઉપરના દબાણો જેને ભાજપાની સરકાર કોઈ કાળે તોડવાની નથી જેથી ચોમાસામાં વડોદરામાં કાયમી પુર આવવાની સંભાવના વ્યક્ત કરેલી છે. સત્યવકતા ડૉ.શીતલ મિસ્ત્રી, જો આપ અમોને આપના વ્યસ્ત સમયમાંથી થોડી મીનીટોનો સમય આપશો તો અમો વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યો આપનું સુતરની આંટી પહેરાવી સન્માન કરવા માંગીએ છીએ. આમ ડો.શીતલ મિસ્ત્રીનું નિવેદન હવે વધુ વિવાદ પકડી રહ્યો છે.

Most Popular

To Top